ગાંધીનગર, રાજયમાં કોરોનાની બીજી લહેર માંડ માંડ કાબૂમાં આવી રહી છે. ત્યારે બીજી તરફ રાજયમાં કોરોનાને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા રસીકરણ મહાઅભિયાન શરૂ કરાયું છે. જાે કે આ રસીકરણ અભિયાનના પ્રારંભના એક બે દિવસ બધુ ઠીકઠાક ચાલ્યું હતું. પરંતુ ત્યાર બાદ આ રસીકરણ મહાઅભિયાનમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મહાનગરોમાં રસીકરણ કેન્દ્રો ઉપર કોરોનાની રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થતો નથી. જેના કારણે આવા રસીકરણ કેન્દ્રોમાં રસીના ડોઝ ખતમ થઈ જતાં રસીકરણ કેન્દ્રને બંધ કરી દેવાય છે. જેના કારણે આવા દરેક રસીકરણ કેન્દ્રો ઉપરથી સેંકડો લોકો રસી લીધા વિના જ પરત ફરી રહ્યા છે. જેના કારણે નાગરિકોમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે.

સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ભયાવહ જાેવા મળી હતી. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ બીજી લહેરને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્ર સરકાર અથાગ પ્રયત્નો કરતી જાેવા મળી છે. જેના અંતર્ગત સમગ્ર દેશમાં કોરોના પ્રતિકારક રસી માટેનું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત કોરોનાની આગામી ત્રીજી લહેરની દહેશતને જાેતા રસીકરણ અભિયાનમાં ગતિ લાવવામાં આવી રહી છે. મોદી સરકાર દ્વારા રસીકરણના મહા અભિયાનના પ્રથમ દિવસે ૮૮.૦૯ લાખ નાગરિકોનું લોરસીકરણ કરીને એક વર્લ્‌ડ રેકોર્ડ બનાવ્યો હતો. જાે કે, હવે આ રસીકરણના મહાઅભિયાનની ગતિમાં દિન-પ્રતિદિન ઘટાડો જાેવા મળી રહ્યો છે. આ ઘટાડા પાછળનું મુખ્ય કારણ છે રસીની અછત. રસીની અછત હવે ગુજરાતમાં પણ જાેવા મળી રહી છે. ગુજરાતના મોટા શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રસીકરણ કેન્દ્રોની બહાર મોટા અક્ષરોમાં રસીકરણ કેન્દ્ર બંધ રહેવાની સૂચનાઓ લગાવવામાં આવી છે. જેથી રસી લેવા માટે જે તે રસીકરણ કેન્દ્રો ઉપર પહોંચેલા નાગરિકોને ત્યાંનો ધરમ ધક્કો થાય છે . ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા વિનામૂલ્યે રસીકરણ અંગેની અનેક મોટી જાહેરાતો કરવામાં છે.

મોટા શહેરોમાં નિયત માત્રાના દસ ટકા ડોઝ ઉપલબ્ધ થતાં નથી

કોરોનાની મહામારીને કાબુમાં લેવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રસીકરણ મહાઅભિયાન શરૂ કરાયું છે. આ રસીકરણના પ્રારંભના દિવસોમાં રાજ્યના મોટા શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાને સરકાર દ્વારા નિયત કરાયેલ રસીના ડોઝનો જથ્થો અપાયો હતો. પરંતુ ત્યાર બાદ સરકારના વહીવટી તંત્ર દ્વારા જે તે શહેરોને નક્કી કરાયેલા જથ્થા કરતાં પણ ઓછી માત્રામાં રસીના ડોઝ આપવામાં આવી રહ્યા છે. આ અંગે આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોને રસીના ડોઝનો જથ્થો આપવાની જે નિયત માત્રા નક્કી કરવામાં આવી છે. તે માત્રામાં જે તે શહેરોને રસીનો જથ્થો મળી રહ્યો નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જેટલો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે તે નિયત કરાયેલા જથ્થાની માત્રાનો દસ ટકા જથ્થો પણ મળતો નથી.