અમદાવાદ-

રાજ્યમાં જેમ જેમ એપ્રિલના દિવસો વીતી રહ્યા છે તેમ તેમ મોટો વર્ગ કોરોના વાઇરસની ઝપટમાં આવી રહ્યો છે. સંક્રમણની ચેઇન તૂટી નથી રહી તેવામાં નેતાઓ અને મંત્રીઓ પણ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. દરમિયાનમાં આજે સવારે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વડોદરાના ધારાસભ્ય મનિષા વકીલ, અને ભાજનાના વરિષ્ઠ નેતા આઈ.કે. જાડેજા પોઝિટિવ આવ્યા છે.

કોરોના વાઇરસના કારણે અત્યારસુધીમાં ગાંધીનગરના 6 મંત્રીઓ સપડાઈ ચુક્યા છે અને સાતમાં મંત્રી આરસી ફળદુંના પત્ની પોઝિટિવ હોવાથી તેઓ પણ હોમ ક્વૉરન્ટાઇન છે. આ સ્થિતિમાં સરકાર હવે રાત્રિ કર્ફ્યૂ તરફ વળી છે પરંતુ સ્થિતિ દિનપ્રતિદિન દર કલાકે કથળી રહી છે. દરમિયાન રાજ્યનાં વધુ એક અધિકારી કોરોનાના કારણે મોતને ભેટ્યા છે. રાજ્યના હોમ ડિપાર્ટમેન્ટમાં સેક્શન અધિકારી તરીકે ફરજ બજાવી રહેલા અતુલ વખારીયાનું કોરોનાના કારણે દુ:ખદ નિધન થયું છે. વખારિયાનું આજે સવારે નિધન થતા અધિકારીઓ વ્યથીત થયા છે.