અમદાવાદ-

અમદાવાદમાં બ્રાન્ડેડ કંપનીની ડુબલીકેટ વસ્તુઓનું વેચાણ વધતું જાય છે.ત્યારે ગાંધી રોડ પર આવેલી ભૂપી ઓપ્ટિકલ નામની દુકાનમાં સીઆઇડી ક્રાઇમે રેડ કરતા આ દુકાનમાં રેયબન કંપનીના ચશ્મા કોઈપણ જાતના બિલ કે આધાર પુરાવા વગર વેચાતા હોવાનું સામે આવ્યું છે. સીઆઇડી ક્રાઇમે પાંચ કરોડ ૯૭ લાખ ૪૦ હજારનો મુદ્દામાલ તેમજ મોબાઇલ ફોન કબજે કરી કાલુપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

ભુપી ઓપ્ટિકલ નામની દુકાનના માલિક સુધીર હીરાલાલ કિનનાની દ્વારા તેમની દુકાનમાં ૧૯,૫૮૦ રેયબન કંપનીના સિમ્બોલ વાળા ચશ્મા જેની કિંમત પાંચ કરોડ ૮૭ લાખ ચાલીસ હજાર તેમજ રેયબન વાળા ચશ્મા ૧૦૦૦ જેની કિંમત ૧૦ લાખ એમ કુલ મળીને પાંચ કરોડ ૯૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ મામલે સીઆઇડી ક્રાઇમે રેયબન કંપનીના ઓથોરાઇઝ વ્યક્તિને સંપર્ક કરી આ ચશ્મા ઓરિજનલ છે કે ડુપ્લીકેટ તે જાણવાની તજવીજ હાથ ધરી છે તેમજ વેપારી પાસેથી આ ચશ્માની ખરીદીના બિલ માંગવામાં આવ્યા છે, ત્યારે કાલુપુર પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે આગામી કાર્યવાહી હાથ ધરાશે. મહત્વનું છે કે ઉત્તરાયણમાં ચશ્માનું વેચાણ ખૂબ જ થતું હોય છે ત્યારે ઉત્તરાયણ પહેલા આ પ્રકારે કરોડોના ચશ્મા પકડાતા આસપાસના વેપારીઓમાં સોપો પડી ગયો છે.