ચેન્નાઈ, તા. ૨

કેટલાંક પ્રેમીઓને જ્યારે તેમનું મિલન અશક્ય લાગી જાય ત્યારે તેઓ દરીયામાં ડૂબીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. જૂના બોલિવૂડનું એક સોંગ પણ ચલ દરીયામેં ડૂબ જાયેં...ખૂબ જાણીતું થયું હતું, પણ અહીં વર-વધુ દરીયામાં ડૂબ્યા હતા પણ મરવા માટે નહીં, લગ્ન કરવા.

સામાન્ય રીતે લગ્ન થાય છે ત્યારે, સૂર્ય અને ચંદ્રની હાજરીમાં કે અગ્નિની સાક્ષીમાં, વર-વધુ ફેરા ફરે છે, પરંતુ ચેન્નાઈમાં એક યુગલે જ્યારે લગ્ન કરવા હતા ત્યારે સમુદ્રમાં બધું શાંત હોય તેની રાહ જાેઈને લગ્નના ફેરા ફરવા માટે બંનેએ સાથે ડૂબકી લગાવી હતી.

વી ચેન્નાદુરાઈ અને એસ સ્વેતાએ અહીંના દરિયામાં નિલંકારી તટના પાણીમાં ૬૦ ફીટ જેટલે ઊંડે ડુબકી લગાવી હતી અને પછી તેઓ લગ્નના ફેરા ફર્યા હતા. સોફ્ટવેર એન્જીનિયર અને સ્કુબા ડાઈવિંગનું રીતસરનું લાયસન્સ ધરાવતા વરરાજા ચેન્નાદુરાઈએ કહ્યું હતું કે, આ એક રીતરસમ સહિતના પરંપરાગત લગ્ન જ હતા અને બધું વિધિસરનું જ હતું, પણ ફેરા ચોરી ફરતે નહોતા ફરાયા પણ ઊંડે પાણીમાં ફરાયા હતા અને તે પણ અમારા પંડિતે કહ્યું એ જ સારા ચોઘડિયામાં એટલે કે, સવારે સાડાસાતના ટકોરે અમે ફેરા ફરીને લગ્ન કરી લીધા હતા.

અહીં વધુ એટલે કશ્વેતા પણ સોફ્ટવેર ઈજનેર જ છે અને આ લગ્ન પાણીની અંદર ડાઈવિંગ કરીને કરવાના હોવાથી એકાદ મહિના પહેલાથી તેણે પણ સ્કુબા ડાઈવિંગનો ક્રેશ કોર્સ કરવાનું શરુ કર્યું હતું. તે કહે છે કે, હું શરુઆતમાં થોડીક ગભરાતી હતી અને મારા માતા-પિતાને પણ ગભરાટ હતો પણ અમારી સાથે તાલીમ પામેલા ૮ અન્ય સ્કુબા ડાઈવરો મૌજૂદ હતા. અમે ગયા અઠવાડિયાથી આ માટે પ્રેક્ટીસ કરતા હતા અને આખરે અમે તેમાં સફળ થયા હતા. બધું જ સમુદ્રના હાથમાં હતું.

આ યુગલે પ્રેક્ટીસ તો સ્યુટમાં જ કરી હતી પણ જ્યારે લગ્ન કરવાના હતા ત્યારે તેમણે પરંપરાગત વસ્ત્રો પહેર્યા હતા, જેમાં શ્વેતાએ કુરાઈ સાડી પહેરી હતી અને ચેન્નાદુરાઈ વિશ્ટીમાં સજ્જ હતો. સમગ્ર વિધિની વિડિયોગ્રાફી કરાઈ હતી અને વર-વધુ સફળ રીતે છેડાછેડી બાંધીને પાણીમાંથી એકદમ ઉપર ઉપસી આવ્યા ત્યારે પરીવારજનોએ બંનેને હર્ષનાદ કરીને વધાવી લીધા હતા, અને કિનારે બાકીની લગ્નવિધિ આટોપી લીધી હતી. આ બંનેએ દિવસો સુધી રાહ જાેઈ હતી કે, સમુદ્રનો આંતરીક પ્રવાહ ક્યારે શાંત થાય અને તેઓ દરિયામાં ડુબકી લગાવીને લગ્નવિધિ આટોપી શકે.