દિલ્હીઃ-

ભારતમાં વધતો કોરોનાગ્રાફ ચિંતા ઉપજાવી રહ્યો છે ત્યારે જ આજે રાહતના સમાચાર મળ્યા છે. ભારત બાયોટેક ICMR દ્વારા બનાવાઇ રહેલી કોરોનાની રસી પ્રથમ ફેઝના ક્લિનિકલ ટ્રાયલમાં પાસ થઇ ગઇ. પરિણામોમાં જાણવા મળ્યું કે આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. મહત્વનું છે કે, અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એઇમ્સ), દિલ્હીના મુખ્ય તપાસકર્તા સંજય રાયના જણાવ્યા મુજબ એઈમ્સમાં ભારત બાયોટેક વેક્સિનના પરિક્ષણ માટે 16 વોલેન્ટિયર્સ દાખલ કરાયા હતા.

તમામ 12 શહેરોમાં ટ્રાયલના ઇચ્છિત પરિણામ મળશે તો કંપની બીજા તબક્કામાં ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાનો સંપર્ક કરશે. ટ્રાયલના એક તપાસકર્તાએ નામ નહીં જાહેર કરવાની શરતે કહ્યું હતું કે જો બધુ સમુસુતરુ રહ્યું તો વેક્સિન આગામી વર્ષના જૂન માસના મધ્યમાં બજારમાં હશે. 12 શહેરોના 375 વોલેન્ટિયર્સ, એકને પણ આડઅસર નહીં 

દેશના 12 શહેરોના 375 વોલેન્ટિયર્સને કોરોના વાઇરસ રસી Covaxin ના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દરેક સ્વયંસેવકને વેક્સિનના બે ડોઝ આપવામાં આવ્યા છે. હવે તેમના પર નજર રાખવામાં આવી રહી છે. મહત્વની વાત છે કે હજુ સુધી કોઇ આડઅસરના લક્ષણ દેખાઇ નથી. 

રસીની અસરકારકતા અંગે પરીક્ષણ પીજીઆઇ રોહતકમાં ચાલી રહેલા વેક્સિન ટ્રાયલના ટીમ લીડર સવિતા વર્માએ જણાવ્યું છે કે, આ રસી સુરક્ષિત છે. પ્રથમ ડોઝમાં કોઈ આડઅસર જોવા મળી નથી. હવે બીજો ડોઝ આપવાની તૈયારી ચાલી રહી છે. ટ્રાયલ થયું તેવા વોલેન્ટિયર્સના બ્લડ સેમ્પલ લેવાયા છે. જેની તપાસ કર્યા બાદ વેક્સિનની પ્રતિકારકતા કે અસરકારકતાનું પરિક્ષણ કરવામાં આવશે.