કારેલીબાગ વૈષ્ણવ હવેલીના સ્થળાંતરના વિવાદને રાજકીય ઝઘડામાંથી સામાજીક ઝઘડામાં ફેરવવામાં સફળતા મેળવનાર ડો. વિજય શાહ અને સુનિલ સોલંકીના કારસાને સફળતા મળી હતી. જેમાં આ વિવાદ વધુ વકરે તે પૂર્વે ભાજપે પાળ બાંધી સમગ્ર વિવાદને આગામી વિધાનસભા સુધી અભરાઈ પર ચઢાવી દેવાનો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આદેશ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રદેશ પ્રમુખ દ્વારા કરવામાં આવેલા આદેશની સત્તાવાર જાણ વૈષ્ણવાચાર્યોને કરવામાં આવી છે. જેના કારણે ભાજપના નેતાઓની અહમની લડાઈમાં આખરે ધર્મની હાર થયાનું સામે આવ્યું છે.

લોકસત્તા જનસત્તાને પ્રાપ્ત જાણકારી અનુસાર ભાજપની મોટી સંકલન સમિતિના ર્નિણય બાદ અચાનક નાની સંકલન સમિતિમાં મેયર કેયુર રોકડીયા અને સ્થાયી સમિતિના સભ્યો મનોજ પટેલ, અજીત દધીચ અને ડો. શિતલ મિસ્ત્રી વચ્ચે તૂતૂ મેમે શરૃ થયું હતું. આ ઝગડામાં શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ પણ ભાગ લેતા મેયર અને મહામંત્રી વચ્ચેનો ઝગડો ઉગ્ર બન્યો હતો. આ સમયે ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે એક ઈશારો કરતા સુનિલ સોલંકી બેઠકમાંથી બહાર ગયા હતા. જ્યાં તેઓએ ટેલીફોન પર કોઈ નેતાનું માર્ગદર્શન લઈ દરખાસ્ત મુલત્વી કરવાના આદેશની જાણ કરી હતી.

ત્યાર બાદ આ સમગ્ર વિવાદ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સમક્ષ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં મેયર અને સંગઠને પોત પોતાનો પક્ષ રજુ કર્યો હતો. પરંતું સી.આર.પાટીલે લોકસત્તા જનસત્તા સાથે વાતચીતમાં જણાવ્યું હતુંકે આ વિષયમાં વધુ ચર્ચા બાકી હોય હાલ મુલત્વી રાખવા જણાવ્યું છે. પરંતું ત્યાર બાદ ભાજપની સ્થાનિક નેતાગીરીના ઝગડામાં સમગ્ર રાજકીય લડાઈ સામાજીક લડાઈમાં બદલાઈ હતી. વૈષ્ણવ સંપ્રદાયના કેટલાક લોકોએ હવેલી ખાતે જઈ સ્થળાંતરનો વિરોધ શરૃ કરતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ વિષય વિધાનસભાની દરખાસ્ત સુધી સ્થગિત કરવાનો આદેશ કર્યો હતો. જેના કારણે મેયર કેયુર રોકડીયાને નીચુ દેખાડવાની આડમાં શર થયેલ અહમની લડાઈમાં આખરે ધર્મની હાર થયાનું કહેવાય રહ્યું છે.