આણંદ : આણંદ પાલિકા ચૂંટણી જંગ અંતર્ગત આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિન પૂર્વ મોડી રાત સુધી કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગીનો કકળાટ રહેતાં યાદી તો જાહેર ન કરી, પરંતુ ઉમેદવારોને ટેલિફોનથી ફોર્મ ભરવાની સૂચના આપવામાં આવી હતી. જાેકે, છેલ્લી ઘડી સુધી મજબૂત મનાતા નેતાઓની ટિકિટ માટે અવઢવની પરિસ્થિતિ ઊભી થઈ હતી. આમછતાં પક્ષ માટે મજબૂત મનાતાં વોર્ડમાં એકબીજા પર ટોપલાં ઢોળી ટિકિટ કપાવવાના ખેલ રચાતાં જે નેતાઓએ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન શાસકો વિરુદ્ધ તેમની કથની ઉજાગર કરી મજબૂત વિપક્ષની ભૂમિકા ઊભી કરી હતી, હવે તેને જ કાપવાના ખેલ રચાયાં હતાં.

પક્ષના સૂત્રોનું કહેવું છે કે, કોઇકના ઇશારે કે અન્ય કોઈ સિસ્ટમથી કાપવાના રચાયેલાં ખેલના પગલે કાર્યકરોમાં નારાજગી ઊભી થવા પામી છે. નવાઈની વાત એ છે કે લઘુમતી વિસ્તારના એક વોર્ડમાં શાસક પક્ષના એજન્ટ મનાતાને કોંગ્રેસ દ્વારા ટિકિટ અપાતાં તેની અસર અન્ય વોર્ડમાં પડશે એવું લાગી રહ્યું છે. પરિણામે આ વોર્ડમાંથી કોંગ્રેસનો એકડો કાઢવાનો શકુની ખેલ રચવામાં આવ્યાની ચર્ચા ઊઠવા પામી છે. બીજી બાજુ ગામતળ સહિતના વોર્ડમાં ત્રણ વર્ષથી કોંગી ધારાસભ્ય છતાં સંગઠન ઊભું ન કરી શકતાં ઉમેદવારના ફાફાં અંતિમઘડી સુધી રહેવા પામ્યાં હતાં. પરિણામે શાસક પક્ષને પુનઃ સત્તાની તાસક આપવાની રાજરમત ઊભી કરવામાં આવી હોવાની ચર્ચા પક્ષમાં એરણે ચઢવા પામી છે, જેની સીધી અસર આવતાં વર્ષે યોજાનાર વિધાનસભા જંગ પર પડવા પામેશે એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.