નૈનિતાલ

ઉત્તરાખંડમાં ફરી એકવાર આભ ફાટવાની ઘટના સામે આવી છે. નૈનિતાલ નજીક કૈંચી ધામ વિસ્તારમાં બે સ્થળોએ આભ ફાટવાની ઘટના સામે આવી છે. જ્યારબાદ પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં મંદિરને નુક્સાન પહોંચ્યું હોવાની માહિતી સામે આવી છે. મંદિર સમિતિના સભ્ય નિરજ તિવારીએ જણાવ્યું કે, મોડી સાંજે મંદિરની પાછળની 2 ટેકરીઓ પર એક વાદળ ફાટ્યા હતા. જેનો કાટમાળ મંદિરની સુરક્ષા દિવાલ તોડીને પરિસરમાં ઘૂસી ગયો હતો. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ વિસ્તારમાં હવે ભયનો માહોલ સર્જાયો છે અને ગામના મોટાભાગના વૃક્ષો પડી ગયા છે.

મંદિરથી 50 મીટર દૂર આવેલી બીજી એક ટેકરી પર વાદળ ફાટતા પહાડનો કાટમાળ નૈનિતાલ-અલ્મોરા નેશનલ હાઈવે પર આવી પડ્યો હતો. કાટમાળને પગલે રસ્તો સંપૂર્ણ રીતે બંધ થઈ ગયો હતો. જેના કારણે વાહનોની કતાર જોવા મળી હતી. સ્થાનિક તંત્ર દ્વારા હાલમાં પણ હાઈવે પરથી પહાડનો કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.