અમદાવાદ-

પોતના સ્વજનને બચાવવા માટે લોકો દ્વારા કાળાબજારમાંથી ખરીદવામાં આવી રહેલાં ઈન્જેક્શન ડુપ્લિકેટ હોઈ શકે છે. ઓલપાડના પીંજરતમાં ફાર્મ હાઉસમાં ડુપ્લિકેટ રેમડેસિવિર ઈન્જેક્શન બનાવનાર કૌશલ વોરાએ આઠ હજાર કરતાં વધુ ડુપ્લિકેટ ઈન્જેક્શન વેચ્યાની બહાર આવેલી વિગતો વચ્ચે હજુ પણ કેટલા ઈન્જેક્શન ડુપ્લિકેટ ફરી રહ્યા હોવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી છે.

સુરતના કૌશલ વોરા મોટા કલાકાર હોવાનું તપાસ દરમિયાન બહાર આવી રહ્યું છે. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પિંજરત ગામે એક ફાર્મહાઉસમાંથી દેશનું સૌથી મોટું બનાવટી રેમડેસિવિર ઈન્જેક્શનનું રેકેટ ઝડપી લેવાયું હતું. મુખ્ય સૂત્રધાર એવા સુરતના કૌશલ વોરા સહિતના આરોપીને મોરબી પોલીસે સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદથી ઝડપી લઈ અહીંથી ૬૦ હજાર ડુપ્લિકેટ ઈન્જેક્શન બની શકે તેટલી સામગ્રી, સ્ટીકર સહિત લાખોનો માલ કબજે કર્યો હતો. મોરબીમાં જ પાંચ હજાર જેટલા ઈન્જેક્શન વેચ્યા હોવાની અટકળો વચ્ચે સુરતમાં પણ તેણે અનેકને આ ઈન્જેક્શન વેચ્યા હોવાની વિગતો પોલીસને મોરબી પોલીસ તથા સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવી રહી છે. ૮૦૦૦ કરતાં પણ વધુ ડુપ્લિકેટ ઈન્જેક્શન વેચ્યા હોવાની સંભાવના પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સુરતમાં જ તેણે જયદેવસિંહ ઝાલા સહિત ચારેક વ્યક્તિઓને ઈન્જેક્શન વેચ્યા હતા. તે ઉપરાંત અમદાવાદ અને મોરબી તરફ પણ મોટા પાયે ઈન્જેક્શન સપ્લાય કર્યા હતા.

રિમાન્ડ દરમિયાન વધુને વધુ ઈન્જેક્સન વેચ્યાની હકીકત બહાર આવી રહી છે. આઠ હજાર કરતાં વધુ ડુપ્લિકેટ ઈન્જેક્શન કૌશલ એન્ડ કંપની દ્વારા વેચવામાં આવ્યા હોવાની વિગતો પોલીસની તપાસમાં બહાર આવી હતી. કેટલાંક તો દર્દીઓને આપી દેવાયા છે. પરંતુ હજુ પણ કેટલાંક ઈન્જેક્શન કાળાબજારમાં બહાર ફરતાં હોવાની સંભાવના વચ્ચે પોલીસે સરકારી દ્વારા નક્કી કરેલી સંસ્થા પાસેથી જ ખરીદવા અને જાે કોઈ ખાનગી વ્યક્તિ કાળાબજારમાં વધુ રૂપિયા લઈ આપવાનું કહેતો હોય તો પોલીસને જાણ કરવા અપીલ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા અડાજણના ફાઈનાન્સર જયદેવસિંહ વેલુભા (ઉ.વ.૫૦)ના રિમાન્ડ દરમિયાન પણ તેની પુષ્ટિ થઈ હતી. આઠ ડુપ્લિકેટ ઈન્જેક્શન સાથે ઝડપાયેલા ઝાલાએ શરૂઆતમા પોતે ૧૩૪ ઈન્જેક્શન ખરીદ્યા હતા. જાે કે, તેને ૧૦ દિવસના રિમાન્ડ ઉપર લેવાતા જ તેનો સૂર બદલાયો હતો. પોતે ૨૦૦ ઈન્જેક્શન ખરીદ્યાની કબલાત કરી હતી. ૯૦ જેટલા ઈન્જેક્શન તેણે વડોદરા અને પંચમહાલ તરફ વેચ્યા હોવાનું જણાવ્યું હતું.