વડોદરા, તા.૭

વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના સૌથી મોટા ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધી સાડા ત્રણ કિ.મી. લાંબા ફલાય ઓવરબ્રિજની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથી હાથ ધરાઈ છે. જાે કે, હજી ૩૦ ટકાથી વધુ કામ પૂરું થવાનું બાકી છે. બ્રિજનું કામ તો ત્રણ વર્ષમાં પૂરું કરી નાખવાનું હતું. પરંતુ કામગીરી પૂર્ણ થવામાં નાણાકીય પ્રશ્ન ઊભો થયો છે. રાજ્ય સરકાર દ્વારા જે તે સમયે બ્રિજ માટે રૂા.૨૮૮ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર આપશે એવી ઘોષણા કરાઇ હતી, પરંતુ સરકારે માત્ર ૭૬ કરોડ જ આપ્યા છે, ત્યાર બાદ સરકારમાંથી એવું જણાવી દીધું છે કે બ્રિજની કામગીરી સરકારની સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી પૂર્ણ કરવી. આમેય પાલિકાની આર્થિક સ્થિતિ સારી નથી ત્યારે બ્રિજની કામગીરી અન્ય ગ્રાન્ટમાંથી કરવામાં આવશે તો વિકાસના કામો પર તેની અસર પડશે.

સરકારમાંથી દર વર્ષે ૨૦૦ કરોડ જેટલી સ્વર્ણિમ ગ્રાન્ટ કોર્પોરેશનને મળે છે. આ ગ્રાન્ટ રોડ,પાણી,ગટર જેવી મૂળભૂત સુવિધાના કામો માટે વાપરવાની હોય છે. કોર્પોરેશન વર્ષે આશરે ૧૯૨ કરોડના કામો ગ્રાન્ટમાંથી કરી શકે છે. નવા નાણાકીય વર્ષના બજેટમાં સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી બ્રિજની કામગીરી માટે ૬૦ કરોડ ફાળવ્યા છે. જાે બ્રિજનો ખર્ચ ગ્રાન્ટમાંથી જ કરવાનો હોય તો પછી શહેરમાં અન્ય પ્રાથમિક સુવિધાના કામો કેવી રીતે થઇ શકશે તે સવાલ છે. વિપક્ષ કોંગ્રેસે કહ્યું હતું કે, બ્રિજની કામગીરી માટે સરકારે જ નાણાં આપવા જાેઈએ અને સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી તેનો ખર્ચ કરવો જાેઈએ નહીં. આ બ્રિજના નાણા સરકાર આપતી નથી અને બીજા નવા છ બ્રિજ મંજૂર કર્યા છે.