અમદાવાદ-

ગુજરાતમાં પ્રચાર માટે આવેલા દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદમાં કહ્યું કે, લોકોની માંગ હતી કે કેજરીવાલ સરકાર ગુજરાતમાં આવે. કેજરીવાલ સરકારે 5 વર્ષમાં દિલ્હીની કાયાપલટ કરી છે. અમે અહીંથી ગુજરાતમાં 25 વર્ષથી સ્થાયી ભાજપને હટાવીશું. મનપામાં તમામ પાયાની સુવિધાઓનો અભાવ જોવામાં આવી રહ્યો છે. મનપાની શાળાઓમાં શિક્ષણનો અભાવ જોવામાં આવી રહ્યો છે. શહેરના ગરીબ બાળકો શિક્ષણથી વંચિત છે. દિલ્હી મોડલ અમદાવાદમાં લાગું કરીશું.કોંગ્રેસ પર પ્રહાર કરતા મનિષ સિસોદિયા દ્વારા કહેવામાં આવ્યું કે, કોંગ્રેસમાં તાકાત જ નથી કે અવાજ ઉઠાવે. કોંગ્રેસ હાથ પર હાથ ધરીને બેઠી છે. આમ આદમી પાર્ટી ભાજપનો સફાયો કરશે. 

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હવે ઉમેદવારોએ ફોર્મ ભરવાના શરૂ કરી દીધાં છે. ત્યારે આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્યો રાજ્યમાં પ્રચાર કરવા માટે આવી રહ્યાં છે. આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અમદાવાદમાં 35 કિલો મીટરનો રોડ શો કરીને પાર્ટીના પ્રચારની શરૂઆત કરશે. મનીષ સિસોદિયા આજે અમદાવાદમાં રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કરશે. અમદાવાદમાં તેઓ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રોડ શો કરીને પાર્ટીનો પ્રચાર કરશે.