ગાંધીનગર એક તરફ કોરોનાને કારણે રાજ્યમાં ધંધા રોજગારને મોટું નુકસાન થવા પામ્યું છે. ત્યારે વિધાનસભામાં અપાયેલી માહિતીમાં મોટો ઘટસ્ફોટ થવા પામ્યો છે. રાજ્યમાં હાલ  ૮૫૩૯ જેટલા પ્લોટ અને ૪૯૦ જેટલા શેડ ખાલી પડ્યાં છે. જ્યારે ૨૨૦૩ જેટલા ઉદ્યોગો બંધ હાલતમાં છે. જેમાં માત્ર અમદાવાદ જિલ્લામાં ધમધમતા સૌથી વધુ ૨૨૯ ઉદ્યોગો બંધ થઈ ગયાં છે. રાજ્ય સરકારે તાજેતરમાં કોરોના કાળ દરમિયાન વ્યાપાર ઉદ્યોગોને ઉત્તેજન આપવા માટે આર્ત્મનિભર પેકેજ આપ્યું હોવા છતાં આ સ્થિતિ છે. વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોની અને પ્લોટની સ્થિતિને લઈને વિવિધ સવાલો પૂછ્યાં હતાં. જેના લેખિત જવાબમાં ઉદ્યોગ વિભાગ દ્વારા જણાવાયું છે કે બે જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં મળીને કુલ ૨૨૦૩ ઉદ્યોગો બંધ હાલતમાં છે.

તો પાંચ જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં પ્લોટ ખાલી હોવાની સ્થિતિમાં છે. વિધાનસભામાં ગુજરાત સરકારે રજૂ કરેલી વિગતો અનુસાર ગુજરાતના ઔદ્યોગિક વસાહતોમાં ૮૫૩૯ પ્લોટ ખાલી પડયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૨૬૭૦,ભરૃચમાં ૧૭૨૯, જામનગરમાં ૫૩૬,રાજકોટમાં ૩૫૭, પંચમહાલમાં ૩૪૯, પાટણમાં ૩૨૯, મહેસાણામાં ૩૦૨, દાહોદમાં ૨૭૩, સુરતમાં ૨૭૧ અને ગાંધીનગરમાં ૨૪૬ પ્લોટ ઔદ્યોગિક વસાહતોમાં ખાલી છે. બીજી તરફ ઔદ્યોગિક વસાહતમાં ખાલી પડેલા શેડની સંખ્યા ૪૯૦ છે. જેમાં મહેસાણામાં સૌથી વધુ ૧૩૬-રાજકોટમાં ૧૨૭-બનાસકાંઠામાં ૪૬-સુરેન્દ્રનગરમાં ૪૪નો સમાવેશ થાય છે.

અમદાવાદના ઔદ્યોગિક વસાહતમાં ખાલી પડેલા પ્લોટની સંખ્યા ૪૦ છે. ઔદ્યોગિક વસાહતોમાં બંધ પડેલા ઉદ્યોગોની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે અને હાલમાં તેનો આંક ૨૨૦૩ છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ ૨૨૯, સુરતમાં ૧૮૦, ભરૃચમાં ૧૭૮, કચ્છમાં ૧૬૬, ભાવનગરમાં ૧૫૮, રાજકોટમાં ૧૫૪, વડોદરામાં ૧૪૦, ગાંધીનગરમાં ૧૨૫, પોરબંદરમાં ૧૧૦નો સમાવેશ થાય છે.કોંગ્રેસના આક્ષેપ અનુસાર રાજ્ય સરકારની નાના અને મધ્યમ ઉદ્યોગ વિરોધી નીતિઓને કારણે  પ્લોટ-શેડમાં ઉદ્યોગો સ્થાપવામાં ઉદ્યોગકારોને રસ નથી.