વડોદરા, તા.૨૪

બરોડા ક્રિકેટ એસોસિયેશન (બીસીએ)ના વહીવટમાં ચાલતી બેદરકારીનો ઉત્તમ નમૂનો એજીએમના એજન્ડામાં જાેવા મળી રહ્યો છે. આગામી રવિવારે બીસીએની યોજાનાર વાર્ષિક સાધારણસભાના એજન્ડામાં ચૂંટણીપ્રકિયા અંગેનું કામ જ સામેલ કરવાનું રહી ગયું કે ભુલાયું છે? તે પણ એક ચર્ચાસ્પદ મુદ્દો બન્યો છે. સમગ્ર એજન્ડામાં ચૂંટણીપ્રકિયાની નોટિસ સામેલ કરવામાં આવી છે. ત્યારે વાર્ષિક સાધારણસભામાં સમગ્ર ચૂંટણીપ્રકિયા અંગેના મુદ્દાનું એક આગવું મહત્ત્વ હોય છે અને તેની કામગીરીને અલગથી એજન્ડામાં સામેલ કરવાની હોય છે. પરંતુ બીસીએમાં ચાલતી બેદરકારીના કારણે આ અગત્યનો મુદ્દો જ રહી ગયો કે ભૂલવામાં આવ્યો છે તે એક સવાલ છે.

૨૦૨૩ના એજીએમના એજન્ડામાંથી ચૂંટણીપ્રક્રિયાનો મુદ્દો સામેલ કરવાનો રહી ગયો કે ભૂલાયો?

બરોડા ક્રિકેટ એસોસિયેશનની વાર્ષિક સાધારણસભામાં ચૂંટણીપ્રકિયા અંગેનો મુદ્દો જ રહી ગયો કે ભૂલી ગયા છે તે ગેરવહીવટ ઢાંકવા માટે હવે બીસીએના સત્તાધીશો ચૂંટણી અંગેની નોટિસને એજન્ડાનો ભાગ ગણાવવાના કામે લાગ્યા છે. તેમની ગંભીર ભૂલને છાવરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકસત્તા-જનસત્તા દ્વારા આ અંગે બીસીએના સત્તાધીશોને પૂછવામાં આવતાં નોટિસને ચૂંટણીનો ભાગ ગણાવ્યો હતો. પરંતુ લોકસત્તા- જનસત્તા દ્વારા આ અંગેના કાયદાકીય નિષ્ણાતોનો મત લેતાં તેમણે જણાવ્યું હતુંુ કે ચૂંટણીપ્રકિયાનો મુદ્દો એ વાર્ષિક સાધારણસભાના એજન્ડાનો મુખ્ય મુદ્દો છે, તેને તેમા સામેલ કરવો અગત્યનું છે. બીસીએના ૨૦૧૩ની વાર્ષિક સાધારણ સભાના એજન્ડામાં સ્પષ્ટ રીતે ચૂંટણીપ્રકિયાનો મુદ્દો સામેલ કરવામાં આવ્યો હતો, જ્યારે ૨૦૨૩ની એજીએમમાં ચૂંટણીપ્રકિયાનો મુદ્દો ગાયબ કેવી રીતે થયો?