જેને કળયુગનાં જાગતા દેવ અને સંકટ મોચનનાં નામથી ઓળખાય છે, તે શિવનાં 11માં રૂદ્ર હનુમાનજી બાલ બ્રહ્મચારી છે તે બધા જાણે જ છે. અને તેથી જ તો હનુમાનજી લંગોટ ધારણ કરી, દરેક મંદિર અને તસ્વીરોમાં એકલા જ દેખાય છે. ક્યારેય પણ અન્ય દેવતાઓની જેમ હનુમાનજીને પત્ની સાથે જોવામાં નથી આવતા. પરંતુ શું તમે જાણો છે કે, બાલ બ્રહ્મચારી મહાબલી હનુમાન પણ પરણિત છે. જો તમે હનુમાનજીનાં પુત્ર મકરધ્વજ વિશે જાણતા હોય તો એવું બિલકુલ ન વિચારતા કે પુત્ર છે તો પત્નિ પણ હોય જ ને અને પત્નિ હોય તો સ્વાભાવીક છે કે પરણીત પણ હોય. પુત્ર છે અને કૃષ્ણની નગરી દ્રારકા પાસે સમુદ્રમાં આવેલ બેટ દ્રારકામાં પિતા-પુત્ર એટલે કે હનુમાનજી અને મકરધ્વજનું સાથે મંદિર પણ છે. પરંતુ આ કથા બીજી છે.

વાત હનુમાનજીનાં લગ્નની કરવામાં આવેતો, જેને અષ્ટ સિધ્ધી, નવ નિઘીનાં દાતા થવાનું વરદાન છે. તે વીર હનુમાનનાં લગ્ન પણ આજ અલૌકીક સિધ્ધી મેળવા માટે થયા હતા. અષ્ટ સિધ્ધી, નવ નિઘીઓમાં, ચાર નિધી એવી છે જે ફક્ત પરણીત જ મેળવી શકે. અને પોતાનાં ગુરૂ સૂર્યદેવ પાસે જ્યારે હનુમાનજી શિક્ષા અને સિધ્ધીઓ ગ્રહણ કરી રહ્યા હતા ત્યારે આ પ્રશ્ન ઉપસ્થિત થતા ખુદ ગુરૂવર સૂર્યદેવ પણ મુંજવણમાં મુકાયા. શિક્ષણ અટકાતા હનુમાનજી પણ વ્યતિથ થઇ ગયેલા. પોતાનાં પરમ શિષ્યને એવી દશામાં જોઇ ગુરૂ સૂર્યદેવે પોતાની પરમ તપસ્વીની પુત્રી સુવર્ચલા દેવી સાથે હનુમાનજીનાં લગ્ન કરાવ્યા. સુવર્ચલાદેવી પરમ તપસ્વી હોવાથી લગ્ન પછી પણ તુરંત ધ્યાનમાં ચાલ્યા ગયા અને હનુમાનજીનું બ્રહ્મચાર્ય કાયમ રહેવાની સાથે તેઓ ચાર દુર્લભ નિધીઓ પણ પ્રાપ્ત કરી શક્યા. 

તમે જો હનુમાનજીને તેમનાં પત્ની સાથે જોવા ઇચ્છતા હોય તો તમારે અંધેપ્રદેશમાં જવું પડશે. જી હા તમે એક દમ સાચું જ વાચી રહ્યા છો. અંધ્રપ્રદેશનાં ખમ્મમ જિલ્લામાં હનુમાનજીનું એક પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીની તેમનાં પત્ની સુવર્ચલાદેવી સાથે બિરાજમાન છે. પત્નિ સાથે બિરાજમાન દાદાનાં દુર્લભ દર્શનનો મહિમા પણ અનેરો માનવામાં આવે છે. જે કોઇ આ મંદિરમાં પત્નિ સાથે બિરાજમાન હનુમાનજીનાં દર્શન કરે તેનું દામ્પત્ય જીવન પરમ સ્નેહ સાથે પસાર થાય છે તેવી પ્રખર માન્યતા છે.