ભરૂચ,નેત્રંગ બ્લેક સ્ટોન બેલ્ટ નેત્રંગ તાલુકાના અંતરિયાળ કોલીવાડા ગામમાં એલએન્ડટી કંપનીના સંચાલકોએ ક્વોરી-ક્રશર પ્લાન્ટ નાખવાના મુદ્દે ગ્રામજનો અને તેના ક્વોરી સંચાલક વચ્ચે વિવાદનો મધપૂડો છેડાયો છે. આગલા દિવસે ગામના એક શખ્સે કથિતપણે દર મહિને હપ્તો માંગ્યાની ઘટના બન્યાને ત્રીજા દિવસે ગ્રામજનોએ ક્વોરી ક્રશર ચાલુ થાય તો માનવજાતને શ્વાસોશ્વાસની ગંભીર થતી હોવાથી ક્રસર પ્લાન્ટ બંધ કરવા માટે જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને નેત્રંગ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

બ્લેક સ્ટોન બેલ્ટના કોલીવાડા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ક્વોરી સંચાલકો અને ગ્રામજનો વચ્ચે વિવાદો ઊભા થતાં ભારે ગજગ્રાહ ચરમસીમાએ છે. કોલીવાડા ગામે એલએન્ડટી ક્વોરી ક્રસર પ્લાન્ટ માટે આજે નેત્રંગ મામલતદારને કોલીવાડા ગ્રામજનોએ જિલ્લા કલેકટરને ઉદ્દેશીને લખેલા આવેદનપત્રમાં એવી વિગતો જણાવી છે કે ક્વોરી-ક્રસર પ્લાન્ટને કારણે માનવશરીરના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ક્રસર પ્લાન્ટથી ઊડતો ડસ્ટએ ગ્રામજનોના શ્વાસોશ્વાસની ગંભીર બીમારી થવાની સંભાવના છે. એટલુ નહીં પણ ડસ્ટથી આજુબાજુ ઉપજાઉ જમીન પણ બંજર બનવાની ભીતિ ઊભી થઈ છે. આ પ્લાન્ટ ગ્રામજનોની પરવાનગી વિના બારોબાર ઊભો કરી દેવામાં આવ્યો છે. ગૌચરની જમીનમાં દબાણ કરી ખોદકામ કરીને પથ્થરો કાઢવામાં આવી રહ્યા છે. આ પ્લાન્ટને કારણે ભારેખમ વાહનોને કારણે ગામ વચ્ચેથી જતાં રોડની હાલત ખખડધજ બની ગયા છે. તકલાદી રોડને કારણે શાળાએ જતાં બાળકો જાેડે અકસ્માત સર્જાવાની સમસ્યા પણ ઊભી થઈ છે. જે માટે આ પ્લાન્ટ બંધ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.ક્રશર પ્લાન્ટ ફરીથી ચાલુ થશે તો પ્લાન્ટનો ઘેરાવો કરી ઉગ્ર આંદોલનની ચીમકી અંગે કોલીવાડાના ખેડૂત પ્રતાપભાઈ વસાવાએ જણાવ્યુ હતું .