દિલ્હી-

દેશમાં કોરોનાની રસી મુકવાનુ અભિયાન ઝડપી બનાવવા માટે સરકાર સામે સપ્લાય વધારવાની સાથે સાથે દેશના અંતરિયાળ વિસ્તારોમાં વેક્સીન કેવી રીતે પહોંચાડવી તેનો પણ પડકાર ઉભો છે.

જ્યાં રસ્તાઓની અને વાહન વ્યવહારનીસુવિધાઓ છે ત્યાં તો વેક્સીન મોકલવામાં વાંધો નથી પણ દેશના સંખ્યાબંધ વિસ્તારો એવા છે જ્યાં વેક્સીન પહોંચાડવાનુ કામ અઘરૂ છે.આવા વિસ્તારોમાં રસી મોકલવા માટે ડ્રોનની મદદ લેવા માટે વિચારણા થઈ રહી છે. આઈઆઈટી કાનપુરનુ કહેવુ છે કે, ડ્રોનનો ઉપયોગ રસી મોકલવા કરવુ શક્ય છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સહાયક કંપની દ્વારા દેશના દુર્ગમ વિસ્તારોમાં કોરોનાની સરી પહોંચાડવા માટે ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે. જેમાં હાલના તબક્કે તેલંગાણાના કેટલાક વિસ્તારમાં ડ્રોન થકી કોરોના વેક્સીન પહોંચાડવાનુ વિચારણા થઈ રહી છે.

આ માટે આઈસીએમઆર પણ સ્ટડી કરી રહી છે. રસી પહોંચાડવા માટે એવા ડ્રોનનો ઉપયોગ થશે જે ૩૫ કિલોમીટર સુધી જઈ શકે છે. સાથે ૧૦૦ મીટરની ઉંચાઈ સુધી ઉડી શકે તેવી શકમતા પણ જરૂરી છે. એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે આ માટે ૨૨ જૂન સુધીમાં પ્રસ્તાવ મંગાવવામાં આવ્યા છે.ચેનલનો દાવો છે કે, વેક્સીનને ડ્રોન થકી પહોંચાડવા માટેનો એક પ્રોટોકોલ તૈયાર કરાયો છે. આ માટેનુ એક પરીક્ષણ સફળ પણ રહ્યુ છે. રસી માટે ઉપયોગમાં લેવાનારા ડ્રોન ચાર કિલો વજન લઈ જવા માટે સક્ષમ હશે, સાથે સાથે વેક્સીનેશન કેન્દ્ર પર તે વેક્સીન પહોંચાડીને પાછા આવી શકશે. ડ્રોનનુ ટેક ઓફ અને લેન્ડિંગ સિવિલ એવિએશન વિભાગની ગાઈડલાઈન પર આધારિત રહેશે. તેમાં પેરાશૂટ આધારિત ડિલિવરી સિસ્ટમ નહીં હોય.