રાજપીપળા, સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પ્રવાસીઓને આવવામાં અગવડ ન પડે એ માટે સરકારે ફોર લેન રસ્તાઓ તો બનાવી દીધા છે.પણ રસ્તા બનાવવા ખેડૂતોએ આપેલી જમીનના વળતર માટે ખેડૂતોએ હાલ વલખા મારવાનો સમય આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટને લઈને દેવલિયાથી રાજપીપળા સુધી ફોર લેન રસ્તો મંજુર થયો હતો.સ્ટેટ હાઇવે દ્વારા દેવલિયાથી રાજપીપળા સુધી રોડ બનાવવા જમીન સંપાદિત પણ થઈ ગઈ, એવામાં દેવલિયાથી રાજપીપળા સુધીનો રોડ નેશનલ હાઈવે જાહેર થયો દરમિયાન સમય જતાં રોડની કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ તે છતાં સ્ટેટ હાઇવે દ્વારા કરાયેલ જુના સંપાદનનું સરકારે ૨૦-૨૫ ગામના ખેડૂતોને વળતર ચુકવ્યું જ નહિ.આ તમામની વચ્ચે ઉગ્ર બનેલા ખેડૂતોએ ભાણન્દ્રા ગામ નજીક બની રહેલા ઓવર બ્રિજનું કામ પણ અટકાવ્યું જે કામ હાલમાં પણ બંધ હાલતમાં છે.ભાણન્દ્રા વિસ્તરના ખેડૂતો તો એવો આક્ષેપ કરી રહ્યા છે કે સરકારે અમારી પાસેથી જાેર જબરજસ્તી જમીન છીનવી લઈ ઓવર બ્રિજનું કામ શરૂ કર્યું છે જ્યાં સુધી અમને વળતર નહિ મળે ત્યાં સુધી અમે બ્રિજનું કામ ચાલુ થવા નહિ દઈએ.

વાવડીના ખેડૂત દેવાંગ પટેલે જણાવ્યું હતું કે જ્યારે રોડ મંજુર થયો ત્યારે એજન્સીએ વાવડી-વડીયા ગામની જમીનના ઉભા પાકની નુકશાનીનો સર્વે પણ કર્યો હતો, અમારી જમીનોનું નવું સંપાદન પણ થઈ ગયું છે.અમે ઉભા તૈયાર પાક કાપી જમીન આપી છે, રોડ પણ તૈયાર થઈ ગયો તે છતાં વળતર માટે અમારે કચેરીઓના ધક્કા ખાવાનો વારો આવ્યો છે.મારી જેવા તો ૨૦ ખેડૂતો છે જેમની કરોડો રૂપિયાની જમીન સરકારે લઈ લીધી પણ વળતર નથી મળ્યું. નેશનલ હાઈવે ભરૂચ ડિવિઝનના કાર્યપાલક ઈજનેર હિતેશ સોલિયાએ જણાવ્યું હતું કે વાવડી-વડીયા ગામનું એવોર્ડનું કામ થઈ ગયા પછી એમને વળતર મળશે, જ્યારે એ સિવાયના ગામોનું એવોર્ડનું કામ થઈ ગયું છે. ટૂંક સમયમાં જ એમને વળતર મળી જશે.