આસામ-

વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડરા આસામ પહોંચ્યા છે. બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ અહીં કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર કરશે. આજે તેમની એક જનસભા છે. તે પહેલાં પ્રિયંકાએ ચાના બગીચામાં માથે ટોકરી લટકાવી ચાની પત્તી તોડી હતી. સોશિયલ મીડિયા પર તેમની આ તસવીરો બહુ વાયરલ થઇ રહી છે.પ્રિયંકા ગાંધી સ્થાનિક લોકોનું દિલ જીતવા તેમની સાથે મુલાકાતો પણ કરી રહ્યા છે અને તેમના કામને પણ સમજી રહ્યા છે. મંગળવારે તેજપુરમાં તેમની એક મોટી જનસભા થવાની છે. તેમનો નવો અસમી અંદાજ જોવા મળ્યો છે. જનસભા પહેલાં પ્રિયંકા ગાંધીએ ચાના બગીચામાં મહિલા મજૂરો સાથે મુલાકાત કરી હતી અને મહિલા મજૂરો સાથે માથે ટોકરી લટકાવી પ્રિયંકા બગીચામાંથી ચાની પત્તીઓ તોડતા નજરે પડ્યાં હતાં. આસામમાં ચાના બગીચાના મજૂરો મુદ્દો બહુ મોટો ગણાય છે.

તેમણે ચાના બગીચાની તસવીરો શેર કરતા ટ્વીટર પર લખ્યું કે, આસામની બહુવિધ સંસ્કૃતિ જ આસામની શક્તિ છે. આસામ યાત્રા દરમિયાન લોકોને મળી અનુભવ કર્યો કે લોકો આ બહુવિધ સંસ્કૃતિને બચાવવા માટે પૂરી પ્રતિબદ્ધતાથી તૈયાર છે. પોતાની સંસ્કૃતિ અને વારસા માટે આસામના લોકોની લડાઇમાં કોંગ્રેસ પાર્ટી પણ તેમની સાથે છે.પ્રિયંકાએ અહીં પ્રસિદ્ધ કામાખ્યા દેવી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેજપુરના મહાભૈરવ મંદિરે દર્શન કર્યા, આ સાથે પ્રિયંકાએ સ્થાનિક લોકો સાથે આદિવાસી નૃત્ય પણ કર્યું હતું.