દિલ્હી-

ઈડીએ મની લોન્ડ્રિંગને લગતા કેસમાં મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ અવંતા ગૃપના પ્રમોટર ગૌતમ થાપરની ધરપકડ કરી છે. મંગળવારે દિલ્હી અને મુંબઈની અનેક જગ્યાઓએ તપાસ કરવામાં આવી હતી. તપાસ કર્યા બાદ ગૌતમ થાપરની ધરપકડ કરવામાં આવી હતી.

ગૌતમ થાપરને આજે બુધવારના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. કોર્ટમાં ઈડી ગૌતમ થાપરની કસ્ટડીની માગણી કરશે. અધિકારીઓએ જણાવ્યું, ઈડી દ્વારા થાપરની કંપની અવંતા રિયલ્ટી, યસ બેંકના સહ સંસ્થાપક રાણા કપૂર અને તેમની પત્ની વચ્ચે કથિત લેવડ-દેવડની તપાસ કરવામાં આવી રહી છે.ઈડી દ્વારા સીબીઆઈએ જે એફઆઈઆર નોંધી હતી તેમાંથી સંજ્ઞાન લઈને મની લોન્ડ્રિંગનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ વર્ષે જૂન મહિનામાં સીબીઆઈ દ્વારા થાપર ઉપરાંત તેમની દિલ્હી અને ગુરૂગ્રામ ખાતે આવેલી ૨ ખાનગી ફર્મના પ્રમોટર્સ અને ડિરેક્ટર્સની યસ બેંકને ૪૬૬.૫૧ કરોડ રૂપિયાનું કથિત નુકસાન પહોંચાડવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. હાલ યસ બેંક છેતરપિંડીના કેસમાં ઈડી સહિત અનેક એજન્સીઓ દ્વારા ઉદ્યોગપતિઓની તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ખાનગી બેંકના સહ-સંસ્થાપક રાણા કપૂરની પણ ધરપકડ કરવામાં આવી છે.