85 ટકા કોરોના દર્દી વિશેષ સારવાર વિના સાજા થાય છે, જાણો કેવી રીતે 
22, એપ્રીલ 2021

દિલ્હી-

સતત કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. લોકોમાં ભય જાેવા મળી રહ્યો છે. આ સાથે હોસ્પિટલમાં ઓક્સિજન અને રેમડેસિવિરની કમી જાેવા મળી રહી છે. કોરોના સંક્રમિત દર્દી રેમડેસિવિરને મેજિક બુલેટ સમજી બેઠા છે. ત્યારે લોકોના મનમાં રહેલા ભ્રમને દૂર કરવા, કોરોનાની સારવાર કઈ રીતે કરવી, ક્યા લક્ષણો જાેવા મળે તો ટેસ્ટ કરાવવો તથા કઈ વસ્તુનું ધ્યાન રાખવુ આ અંગે દેશના નિષ્ણાંત ડોક્ટરોએ લોકોને સંબોધિત કર્યા છે. એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા, નારાયણા હેલ્થના ડોક્ટર દેવી શેટ્ટી અને મેદાંતા ગ્રુપના ડોક્ટર નરેશ ત્રેહને દેશના લોકોને સંબોધિત કર્યા.

એઆઈઆઈએમએસ ડાયરેક્ટર ડોક્ટર ગુલેરિયાએ કહ્યુ કે, ૮૫ ટકાથી વધુ લોકો કોઈ વિશેષ સારવાર વગર કોરોનાથી સાજા થઈ જશે. તેમણે કહ્યું કે, દરેકને રેમડેસિવિરની જરૂર નથી. મોટાભાગના લોકોમાં સામાન્ય શરદી, ગળામાં ખારાશ જેવા સામાન્ય લક્ષણ જાેવા મળી રહ્યાં છે. જે ૫-૭ દિવસમાં સાજા થઈ જાય છે. તેમણે કહ્યું કે, માત્ર ૧૫ ટકા દર્દી એવા છે જેને હોસ્પિટલમાં જવાની જરૂર પડે છે.

ડો. નરેશ ત્રેહને તે પણ કહ્યુ કે, તેમની સાથે ડોક્ટરોએ હવે એક પ્રોટોકોલ બનાવ્યો છે કે રેમડેસિવિર બધા સંક્રમિતોને આપવામાં આવશે નહીં. તેના ઉપયોગનું સૂચન દર્દીઓના લક્ષણો અને સંક્રમણની ગંભીરતા જાેતા લેવામાં આવશે. ધ્યાનમાં રહે કે આ પહેલા એમ્સના ડાયરેક્ટરે કહ્યુ હતુ કે, રેમડેસિવિર કોઈ જાદૂઈ ગોળી નથી... ન તે મૃત્યુદર ઘટાડનારી દવા છે. તેમણે સ્પષ્ટ કર્યુ હતુ કે હળવા લક્ષણોવાળા લોકોને સમય પહેલા રેમડેસિવિર આપવાનો કોઈ ફાયદો નથી.

મેદાંતા હોસ્પિટલના નિષ્ણાંત ડો. નરેશ ત્રેહને કહ્યુ કે, રેમડેસિવિર ઇન્જેક્શન કોરોનાની સારવારની રામબાણ દવા નથી. જાેવામાં આવ્યું છે કે તે માત્ર વાયરલ લોડને ઓછો કરવામાં મદદ કરે છે. દરેક દર્દી માટે તેનો ઉપયોગ જરૂરી નથી. તે મૃત્યુદર ઘટાડવાની દવા નથી. તેમણે કહ્યુ કે, કોરોના સંક્રમણમાં ખુબ ઓછા લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. હોસ્પિટલમાં બેડનો ઉપયોગ જવાબદારી સાથે થાય તે માટે અફરાતફરી ન મચાવવી જાેઈએ.

એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ તે પણ કહ્યુ કે, કોરોના વિરુદ્ધ રસીકરણ ખુબ મદદગાર છે. વેક્સિન તમારી બીમારીને ગંભીર બીમારીનું રૂપ લેતા બચાવી શકે છે. પરંતુ વેક્સિન લીધા બાદ પણ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવુ ખુબ જરૂરી છે. તે તમને સંક્રમણ થવાથી રોકી શકતી નથી. તે સમજવુ મહત્વપૂર્ણ છે કે કોરોના વેક્સિન લીધા બાદ આપણે સંક્રમણનો શિકાર થઈ શકીએ છીએ તેથી વેક્સિન લીધા બાદ માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવુ જરૂરી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution