23, ફેબ્રુઆરી 2021
અમદાવાદ-
રાજ્યની 6 મહાનગરપાલિકામાં કોણ બનશે કોર્પોરેટ તેનો આજે નિર્ણય થઈ જશે. છ મહાનગરપાલિકાની 575 બેઠક પર 21 ફેબ્રુઆરીના સરેરાશ 46.08 ટકા જેટલુ મતદાન થયું હતું. જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરીમાં કુલ 10 હજાર 112 સરકારી સ્ટાફને જવાબદારી સોંપવામાં આવી છે.
આજે હાથ ધરાનારી મતગણતરીમાં 52 ચૂંટણી અધિકારી, 58 મદદનીશ ચૂંટણી અધિકારી રોકાયેલા છે. તો છ મનપાના કુલ 15 સ્થળ પર મતગણતરી હાથ ધરાશે. જ્યારે 60 મતગણતરી હોલમાં 664 ટેબલ પર મતગણતરી હાથ ધરાશે. આજે યોજાનારી મતગણતરી માટે કુલ 4896 પોલીસ અધિકારી- કર્મચારી જોતરાશે. ચૂંટણી પંચના આંકડા મુજબ રવિવારે થયેલા મતદાનમાં સૌથી વધુ મતદાન જામનગરમાં 53.38 ટકા નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં સૌથી ઓછું 42.51 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે ચૂંટણી પંચના આંકડા અનુસાર રાજકોટમાં 50.72 ટકા, ભાવનગરમાં 49.46 ટકા મતદાન, વડોદરામાં 47.84 ટકા મતદાન અને સુરતમાં 47.14 ટકા મતદાન નોંધાયુ હતું.