૭૯ વર્ષનાં નાની પણ ગુંડાઓ સાથે ભીડી ગયાં!
13, ડિસેમ્બર 2020

નડિયાદ : નડિયાદ શહેરના પશ્ચિમ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, પીપલગ ચોકડી પાસે આવેલાં સમય એલિગન્સમાં શુક્રવારે સાંજે અમદાવાદથી ભાડૂઆતી ગુંડાઓની ટોળકીએ આવીને કેનેડાથી આવેલાં યુવકના ઘરે જઇને હિચકારો હુમલો કર્યો હતો. યુવકના સાસરાં પક્ષના શખસે તેની ટોળકી સાથે આવીને ઘરમાં તેમજ ઘરની બહાર પાર્ક કરેલી ગાડીની તોડફોડ કરી હતી. આ હુમલામાં ફરિયાદીનાં ૭૯ વર્ષનાં નાનીએ પણ ગુંડાઓ સાથે બાથ ભીડીન ભાડૂતી ગુંડાઓને ઘરની બહાર તગેડ્યાં હતાં. હાલ પશ્ચિમ પોલીસ મથકે આ મામલે તપાસ હાથ ધરી છે. 

નડિયાદ શહેરની પીપલગ ચોકડી પાસે આવેલાં સમય એલિગન્સમાં રહેતાં રાજુભાઇ કાછિયા પટેલના પુત્ર હિમાંશુ અભ્યાસ માટે કેનેડા ગયો હતો, જ્યાં તેને અમદાવાદની સોનુ દીપકભાઇ ત્રિવેદી સાથે પ્રેમ સંબંધ થયો હતો. તેણે પરિવારજનોની મંજૂરી સાથે ૨૦૧૮માં લગ્ન પણ કર્યા હતા. બાદમાં ૨૦૧૯માં બંનેએ કેનેડામાં ફરી સિટિઝનશિપ માટે કાયદાકીય રીતે લગ્ન કર્યાં હતાં. જાેકે, લગ્ન બાદ બંને વચ્ચે તકરાર શરૂ થતાં બંનેએ સમજૂતી સાથે છૂટાછેડા લીધાં હતાં. છૂટાછેડા બાદ પણ બંને વચ્ચે સંપર્ક યથાવત્‌ છે.

પોલીસે વધુમાં કહ્યું હતું કે, દરમિયાન રાજુભાઇને કોરોના થતાં પુત્ર હિમાંશુ પિતાને મળવા માટે ૭મી નવેમ્બરના રોજ ઇન્ડિયા આવ્યો હતો. આ સમયે સાસરાં પક્ષનો કૌટુંબિક સાળો તેજસ બારોટ પણ હિમાંશુને મળવા માટે આવ્યો હતો. બાદમાં શુક્રવારે તેણે પોતાના સાગરીતો સાથે આવી હિમાંશુ પર ધોકા, પાઇપ, લાકડીઓથી હુમલો કર્યો હતો.

હિમાંશુના પિતા નડિયાદ એપીએમસીમાં વેપારી છે. તેમને થોડાં સમય અગાઉ કોરોના થયો હોવાથી હિમાંશુ ખાસ પિતાને મળવા માટે ઇન્ડિયા આવ્યો હતો. આ દરમિયાન તેનાં સાસરિયાં દ્વારા તેની પર હુમલો કરાવવામાં આવ્યો હતો, જેને કારણે તે ભયભીત થઇ ગયો હતો. હિમાંશુ અને તેમનાં પરિવારજનોએ તેજસ પટેલ અને તેની સાથે આવેલાં ભાડૂતી ગુંડાઓને ઘરની બહાર ધકેલી કાઢ્યાં બાદ તેમણે ઘરની બહાર મૂકેલી ગાડીમાં તોડફોડ કરી હતી અને દરવાજાે પણ તોડ્યો હતો.

ફરિયાદીએ પોલીસને જણાવેલી હકીકત મુજબ સૂત્રોનું કહેવું છે કે, તેજસ અને તેનાં ભાડૂઆતી ગુંડાઓએ હિમાંશુ પર હુમલો કરતાંની સાથે જ હિમાંશુ તેનાં માતા-પિતા, ભાઇ અને નાનીએ ભાડૂઆતી ગુંડાઓને ઘરની બહાર ધકેલી દઇને દરવાજાે અંદરથી બંધ કરી દીધો હતો. ભાડૂઆતી ગુંડા હાથમાં લોખંડના સળિયા અને લાકડાના ડંડા લઇને આવ્યા હતા. પરિવારજનોએ સમયસૂચકતા ન દાખવી તો આ હુમલો જીવલેણ બન્યો હોત.

તેજસ બે દિવસ અગાઉ રેકી કરવા આવ્યો હતો

હિમાંશુ ઇન્ડિયા આવ્યો હોવાની માહિતી તેના સાસરિયાંને મળી હતી. આ માહિતી કોણે પહોંચાડી એ તપાસનો વિષય છે. દરમિયાન તેજસ બારોટ બે દિવસ પહેલાં પણ નડિયાદ આવ્યો હતો અને હિમાંશુની મુલાકાત લઇને પરત ગયો હતો. હિમાંશુ કેનેડાથી ઇન્ડિયા આવ્યો છે કે નહીં તેની તપાસ કરવા માટે જ તેજસ આવ્યો હતો અને બાદમાં પ્લાન કરીને શુક્રવારે હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે નડિયાદ શહેરમાં આસપાસના સ્થાનિકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યાં હતાં. હિમાંશુ પર હુમલો કરવા આવેલો અમદાવાદનો તેજસ બારોટ તેનાં બે મોબાઇલ ફોન હિમાંશુના ઘરમાં જ ભૂલી ગયો હતો, જે તેણે પોલીસને આપી દીધાં હતાં. પોલીસે મોબાઇલ કબજે લઇને તપાસ હાથ ધરી રહી છે. સમગ્ર ઘટના મામલે હિમાંશુ કાછિયા પટેલની ફરિયાદના આધારે તેજસ બારોટ (રહે.મણિનગર) અને દીપક ત્રિવેદી (રહે.અમદાવાદ) ઉપરાંત અજાણ્યાં ભાડૂઆતી ગુંડાઓ સામે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution