વડોદરા, તા.૧૧

વડોદરા શહેરનો વિકાસ રૂંધાઈ રહ્યો હોવાની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ વડોદરા ક્રેડાઈના હોદ્દેદારો દ્વારા મુકવામાં આવતાં વિકાસ પરવાનગીની ફાઈલો મહિનાઓ સુધી દબાવી રાખીને ધક્કા ખવડાવનારા અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. ક્રેડાઈના હોદ્દેદારોએ ગઈકાલે પાલિકાને લગતા કેટલાક પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેનો હકારાત્મક પ્રતિસાદ આપતાં નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી. જાે કે, ક્રેડાઈના હોદ્દેદારોના આક્રોશ બાદ મ્યુનિ. કમિશનર અને વુડાના ચેરમેન શિથિલ સ્થિતિમાં હોવાનું તેમજ વહીવટી પેન્ડિંગ ફાઈલોના નિકાલમાં હજુ કોઈ દરકાર નહીં લેવાઈ રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે. જાે કે, આજે ઓપન હાઉસમાં કેટલીક રજાચિઠ્ઠી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

વડોદરા શહેરનો વિકાસ રૂંધાઈ રહ્યો છે તેવી પોસ્ટ ક્રેડાઈ વડોદરાના હોદ્દેદારોએ સામૂહિક રીતે મૂકતાં સરકારી અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે અને મહિનાઓ સુધી પરવાનગીની ફાઈલો દબાવી રાખનારા અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. પ્લોટ વેલિડેશનની ફાઈલો, ટીપી સ્કીમોનું અમલીકરણ તેમજ બાંધકામ પરવાનગીની ફાઈલોમાં બિનજરૂરી વાંધા ઊભા કરી વુડા અને પાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત છતાં નિરાકરણ નહીં આવતાં તેનો આક્રોશ સોશિયલ મીડિયા મારફતે વ્યક્ત કરાયો હતો.જાે કે, વિવાદ જાહેર થતાં ગઈકાલે વુડા અને કોર્પોેરેશન તંત્રમાં ધમધમાટ શરૂ થયો હતો અને બેઠકો યોજીને ચર્ચાવિચારણા કરાઈ હતી. જાે કે, ક્રેડાઈના આક્રોશ બાદ પણ તંત્ર હજુ શિથિલ સ્થિતિમાં હોવાનું તેમજ વહીવટી પેન્ડિંગ ફાઈલોના નિકાલ માટે હજુ કોઈ દરકાર લીધી નહીં હોવાનું જાણવા મળે છે.

કોર્પોેરેશનના સત્તાધીશો બાદ વુડાએ પણ ક્રેડાઈના હોદ્દેદારોને બેઠક માટે બોલાવ્યા

ક્રેડાઈના હોદ્દેદારો દ્વારા વડોદરા શહેરનો વિકાસ રૂંધાઈ રહ્યો હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકયા બાદ વુડા અને પાલિકાતંત્રમાં હડકંપ મચ્યો છે. ત્યારે કોર્પોરેશનના સત્તાધીશો સાથે બેઠક બાદ વુડાએ પણ પ્રશ્નોના નિરાકરણ માટે ક્રેડાઈના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કર્યું છે. સોમવારે સાંજે ૪ વાગે વુડાના સીઈઓ અશોક પટેલ તેમજ વુડાના અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજીને પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા કરશે. ક્રેડાઈ દ્વારા વુડાના અભિગમને હકારાત્મક ગણાવીને આવકાર્યો હતો.

દબાણની નોટિસ આપવા મામલે પણ આડોડાઈ!

વડોદરા કોર્પોેરેશનમાં છેલ્લાં છ મહિનાથી દબાણોના મામલે નોટિસ આપીને દૂર કરવા કે સીલ મારવાની પ્રક્રિયામાં પણ નિર્ણય લેવાતા નહીં હોવાનું જાણવા મળે છે જેથી ગેરકાયદે બાંધકામોને પ્રોત્સાહન મળી રહ્યું છે. કેટલાક વિસ્તારમાં તો પ્રાથમિક તબક્કે નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી નહીં કરાતાં આખેઆખી દુકાનો કે કોમ્પલેક્સ ઊભા થઈ ગયા હોવાનું જાણવા મળે છે.