વડોદરા, તા.૨૩

લિયોનાર્ડ નામનો ધૂમકેતુ હાલ વડોદરાના આકાશમાં દેખાતાં ખગોળરસિકોમાં ઉત્સાહ છે. છેલ્લા કેટલાક દિવસોથી લિયોનાર્ડ નામનો ધૂમકેતુ પૃથ્વી અને સૂર્ય વચ્ચેથી પસાર થઇ રહ્યો છે.

સ્વચ્છ આકાશમાં લિયોનાર્ડ નામનો ધૂમકેતુ સૂર્યાસ્ત બાદ અંધારું થતાં પશ્ચિમના આકાશમાં દેખાઈ રહ્યો છે. આ ધૂમકેતુ બાયનોક્યુલર અથવા ટેલિસ્કોપથી દેખાતાં ખગોળપ્રેમીઓ તેને નિહાળવા ઉત્સુક છે. ખગોળવિજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરતી વડોદરાની સંસ્થા એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ એસોસિઅશન ઓફ વડોદરાના હેડ ભાર્ગવ જાેષીએ કહ્યું હતું કે સી/૨૦૨૧ એ૧ નામનો ધૂમકેતુ આકાશમાં દેખાઈ રહ્યો છે. ગત ૩ જાન્યુઆરીએ ગ્રેગરી લિયોનાર્ડ નામના ખગોળવિદે આ ધૂમકેતુની પ્રથમવાર નિહાળ્યો હતો તેથી તે લિયોનાર્ડના નામે ઓળખાય છે. ધૂમકેતુ બરફ અને ખડકાળ પદાર્થોનો બનેલો હોય છે જે આપણી સૂર્યમાળામાં ચક્કર લગાવે છે. સૂર્યની જેમ જેમ નજીક જશે તેમ સૂર્યની ગરમીથી પોતાનું કદ ગુમાવતો જશે. હાલ તે સૂર્યની નજીક છે. તે વડોદરાના આકાશમાં સૂર્યાસ્ત પછી અંધારું થતાં શુક્ર ગ્રહથી દક્ષિણ તરફ આશરે ૧૫ અંશ જેટલા અંતરે દેખાઇ રહ્યો છે. હજુ થોડા દિવસો સુધી તે દેખાશે. જેમ સૂર્યની નજીક આવશે તેમ તે ઓગળતો જશે. એમેચ્યોર એસ્ટ્રોનોમર્સ એસોસિઅશન ઓફ વડોદરા આ ધૂમકેતુનો અભ્યાસ કરી રહી છે. સંસ્થાના સભ્યો બાયનોક્યુલર અને ટેલિસ્કોપથી તેને નિહાળી રહ્યા છે અને વડોદરાના ખગોળરસિકોમાં તેના વિશે માહિતી આપી રહ્યા છે. આ ધૂમકેતુ નરી આંખે દેખાતો નથી. ભાર્ગવ જાેષીએ કહ્યું કે ડિસેમ્બરથી માર્ચ મહિનો આકાશદર્શન કરી વિવિધ નક્ષત્રો જાેવા માટે શ્રેષ્ઠ સમય છે.