રાજપીપળા

સરદાર સરોવર નર્મદા ડેમ થકી મહારાષ્ટ્ર માંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીનો કેવડિયા પોલીસ અને એસઆરપી ગ્રુપ-18 ની ટીમ દ્વારા પર્દાફાશ કરાયો છે, પેટ્રોલિંગ દરમિયાન નર્મદા ડેમના તળાવ માર્ગે મહારાષ્ટ્ર માંથી લવાઈ રહેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમનો વાઈટલ ઈન્સ્ટોલેશન "એ" કેટરગરીમાં સમાવેશ થાય છે.એસ.આર.પી ગ્રુપ-18 ના ઈન્ચાર્જ કમાન્ડન્ટ ચિરાગ પટેલે સરદાર સરોવર નર્મદા ડેમની ચુસ્ત સુરક્ષા કરવા એસ.આર.પી જવાનોને સૂચના આપી છે.એસ.આર.પી અ.હે.કો રાજપાલસિંહ રાઓલ, કેવડિયા પોલીસ મથકના અ.હે.કો ધવલ પટેલ તથા ડેમ સુરક્ષાના અ.હે.કો પ્રવીણભાઈ કાળાભાઈ સરકારી બોટમાં ડેમના પાછળના ભાગે પેટ્રોલિંગમાં હતા.દરમિયાન મહારાષ્ટ્ર તરફથી ઝેર ગામના કિનારા તરફ એક લાલ બોટ આવી રહી હતી, શંકા જતા બોટને ઉભી રાખવા પોલિસ કર્મીઓએ જણાવતા બોટ ચાલક બોટને ડુંગરના કિનારે ચાલુ રાખી ફરાર થઈ ગયો હતો.તપાસ દરમિયાન પોલીસે વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ તથા બોટ મળી કુલ 2,97,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી ફરાર બોટ ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.