વડોદરા

ભારે ચકચાર જગાવનાર બોગસ મેડિક્લેઈમ પ્રકરણમાં કોરોનાનો નકલી દર્દી બનનાર દર્દીની જામીનઅરજી અદાલતે નામંજૂર કરી છે. જે.પી. રોડ પોલીસ મથકે નોંધાયેલા આ ગુનામાં અત્યાર સુધી ત્રણ આરોપીઓને ઝડપી પાડી પોલીસે જેલભેગા કર્યા હતા, એ પૈકી નકલી દર્દી બનેલા ઈસમે અદાલતમાં રેગ્યુલર જામીનઅરજી મુકી હતી. શહેરમાં કોરોનાનો બોગસ રિપોર્ટ બનાવી ઈન્શ્યોરન્સ કંપનીમાંથી મેડિકલેઈમ મંજૂર કરાવી લેવાના કૌભાંડ અંગે પોલીસ તપાસ આરંભી હતી.

તેવામાં આ ગુનામાં સંડોવાયેલા અને નકલી કોવિડ પોઝિટિવ પેશન્ટ બની મેડિક્લેઈમના નાણાં મેળવવાનો કારસો રચનાર આરોપીની રેગ્યુલર જામીનઅરજી અદાલતે નામંજૂર કરી છે.

અકોટા રાધાક્રિષ્ણ પાર્ક પાસે આવેલ ખાનગી લેબોરેટરીના સંચાલક ડો. અંકિત ઝવેરીએ પોલીસને જણાવ્યું હતું કે, એચડીએફસી અર્ગો હેલ્થ મેડિક્લેઈમ ઈન્શ્યોરન્સ કંપનીએ નિમેષ પરમાર નામના કોવિડ પોઝિટિવ પેશન્ટનો રિપોર્ટ વેરિફિકેશન માટે મોકલ્યો હતો. કોમ્પ્યૂટર પર આ રિપોર્ટ વેરિફાય કરતાં તે બોગસ જણાઈ આવ્યો હતો.

આ અંગે લેબના સંચાલકે ઈન્શ્યોરન્સ કંપનીને પણ જાણ કરતાં નિમેષ પરમારે વાઘોડિયા રોડની બાલાજી હોસ્પિટલમાં સારવારના બિલો મુકી રૂા.૩ લાખના કોવિડ પોલિસીના મેડિક્લેઈમ માટે રૂા.ર.ર૦ લાખનો ક્લેઈમ મંજૂરી માટે મુકયો હોવાનું જાણવા મળ્યું હતું. જે.પી. રોડ પોલીસે આ ફરિયાદ અંગે ગુનો નોંધી નિમેષ પરમાર (રહે. લીવઈમ, સેવાસી-ગોત્રી રોડ) સામે ગુનો નોંધી તેને જેલભેગો કર્યો છે.

અદાલતે નોંધ્યું હતું કે, આરોપીનો કોવિડ રિપોર્ટ નેગેટિવ હોવા છતાં પ્રવીણ પરમાર અને અન્ય આરોપીઓેએ કોવિડ પોઝિટિવ દર્શાવી સારવારના ખોટા કાગળો ઊભા કરી કંપનીમાંથી મેડિક્લેઈમની રકમ ખોટી રીતે મેળવવાનો પ્રયાસ કર્યો છે.

પોતે કોવિડ નેગેટિવ હોવા છતાં મેડિક્લેઈમ ફોર્મમાં ખોટી વિગતો દર્શાવી પોતાના ફોટા ઉપર સહીઓ કરી આર્થિક લાભ ખાટવાનો પ્રયાસ થયો છે.