દાહોદ : ખેડૂતોને આર્ત્મનિભર બનાવવા માટે રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સાત ખેડૂત કલ્યાણ યોજનાઓ પૈકી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનો આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયભરમાં શુભારંભ કરાવ્યો છે. ડિજિટલ માધ્યમથી યોજાયેલો આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના લીમખેડાના કાચલા ગામના બાપુ નરસીંહ સેવાનંદ ધામથી મહાનુભાવો અને લાભાર્થી કિસાનો જોડાયા હતા. જે અન્વયે આજ રોજ જિલ્લાના ૩૦૩૫ ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટકચર યોજના અંતર્ગત મંજૂરીપત્ર આપવામાં આવ્યા હતા.  

આ ઉપરાંત કિસાન પરિવહન યોજના અંતર્ગત ૧૫૭ ખેડૂતોની અરજી મંજૂર થતા મંજૂરીપત્ર-ચેક આપવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડે જણાવ્યું કે, ખેડૂતલક્ષી યોજનાના આ સાત પગલાં ખેડૂતોની વિકાસની દિશામાં રાજય સરકારનાં નક્કર પગલાં છે. ઝડપભેર નક્કર આયોજન કરીને રાજય સરકાર તેનું ઝડપભેર અમલીકરણ કરવામાં પણ સરકાર દેશભરમાં મોખરે છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાત યોજનાઓ પૈકી બે યોજનાઓનું જાહેરાતના માત્ર ૧૨ જ દિવસમાં રાજયમાં તેનું અમલીકરણ શરૂ કરવામાં આવ્યું તે પણ એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેમણે ઉમેર્યું કે, દાહોદ જિલ્લાના ખેડૂતો આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લે.