દિલ્હી-

દિલ્હીના હાઇ સિક્યુરિટી ઝોન અંતર્ગત ઇન્ડિયા ગેટ પાસે ટ્રેક્ટરમાં આગ લગાડવા બદલ પોલીસે સોમવારે સવારે 5 લોકોને અટકાયત કરી છે. તે બધા પંજાબના છે. તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓનાં નામ મનોજતસિંહ, રમણદીપસિંહ સિંધુ, રાહુલ, સાહિબ અને સુમિત હોવાનું જણાવાયું છે. આ વીડિયોને પંજાબ કોંગ્રેસ યુથ પેજ પર લાઇવ પણ બતાવવામાં આવ્યો હતો. જે બાદ આશંકા છે કે તમામ આરોપીઓ કોંગ્રેસના કાર્યકરો છે. પોલીસના જણાવ્યા અનુસાર ઝડપાયેલા તમામ યુવકો પોતાને પંજાબ યુથ કોંગ્રેસના નેતા ગણાવી રહ્યા છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ પાંચ લોકો ઉપરાંત એક ઇનોવા કાર પણ કબજે કરવામાં આવી છે. સવારે 7.15 થી 7.30 ની વચ્ચે, લગભગ 15 થી 20 લોકો ઈન્ડિયા ગેટ પાસે એકઠા થયા હતા, ખેડૂત બિલના વિરોધમાં. તે પોતાની સાથે એક જુનું ટ્રેક્ટર લઈને આવ્યા હતા. ટાટા 407માંથી  તેણે ટ્રેક્ટર નીચે ઉતારીને સળગાવ્યું. આ લોકોએ ખેડૂત કાયદાના વિરોધમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. યુવક પોતાની સાથે ભગતસિંહની તસવીર લાવ્યો હતો.