મોટા અવાજે ટેપ વગાડનાર ૫ડોશીને ઠપકો આપતા પિતા અને પુત્ર પર તલવારથી જીવલેણ હુમલો
03, ફેબ્રુઆરી 2021

વડોદરા, તા.૨

પુત્રોના ભણવાના સમયે જ મોટા અવાજે ઘરમાં ટેપ વગાડનાર માથાભારે પાડોશી સિકલીગર સરદારને ઠપકો આપવા ગયેલા એક પુત્રના પિતા ઉપર તલવારથી ઘાતકી હુમલો કરી હત્યાની કોશિષ કરતા ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. આ બનાવમાં વારસીયા પોલીસે શંકાસ્પટ્ઠદ ભુમિકા ભજવતાં હુમલા બાદ, સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવેલ વારસીયા પોલીસ વિરૂદ્ધ ઇજાગ્રસ્ત તથા તેમની પત્નીએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

હોસ્પિટલમાં આવી પહોંચેલા માહિતગાર સુત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર, આજવા રોડ કિશનવાડી વુડાના મકાનમાં રહેતા વિજયભાઇ અર્જુનભાઇ મોખરા (ઉ.૩૮) તેઓ તેમના પત્ની હેમાબેન (ઉ.૩૫) તથા પુત્ર હાર્દિક (ઉ.૧૧) તેમના પરિવાર સાથે રહે છે. તેમનો પુત્ર હાર્દિક ધોરણ ૬માં અભ્યાસ કરે છે. ખોખરા પરિવારની પાડોશમાં માથાભારે શતનામસિંઘ નામનો સરદાર રહે છે.

તે વિજયભાઇના પુત્ર હાર્દિકના ઓનલાઇન અભ્યાસના સમય દરમિયાન જ મોટા અવાજે ટેપ વગાડીને વોઇસ પોલ્યુશન ફેલાવતો હતો. જાેકે તેમની આ હરકતોથી ફ્લેટમાં રહેતા અન્ય લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતાં પરંતુ તેને કહેવા કે સમજાવવા માટે કોઇ હિમ્મત કરતું ન હતું.

ગઇકાલે બપોરના સમયે શતનામસિંગ સરદાર પોતાના ઘરમાં મોટા અવાજે હાર્દિક ખોખરાના ભણવાના સમયે જ ટેપ વગાડતો હતો. જેથી વિજયભાઇ ખોખરા, પાડોશમાં શતનામસિંગ સરદારને ટેપનો અવાજ ધીમો કરવાનું કહેવા ગયા હતાં. જેથી તે અકળાય ગયો હતો અને ગમેતેમ બિભસ્ત ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી વિજયભાઇના પત્ની હેમાબેન ખોખરા વારસીયા પોલીસ મથકે શતનામસિંગ સરદાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવા ગઇ હતી. જ્યાં પોલીસે સાંજે આવીએ છીએ તેમ જણાવી પોલીસ મથકેથી રવાના કરી દીધી હતી તે બાદ વારસીયા પોલીસ આખી રાત આવી ન હતી. આજે સવારે વિજયભાઇ ઘરની બહાર ઉભા હતા એ સમયે શતનામસિંગની માતા બહાર આવી ઘૂરકીયા કરી વિજયભાઇ સાથે ઝઘડો કર્યો હતો. જેમાં ઘરમાં હાજર માથા ભારે શતનામ સરદાર ઘરમાંથી તલવાર લઇને દોડી આવ્યો હતો અને વિજયભાઇ ઉપર તલવારથી હુમલો કરી માથાના ભાગે મારી દીધી હતી. આ ઘાતકી હુમલામાં વિજયભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ સાથે હાથની આંગળીઓ કપાઇ ગઇ હતી. આ હુમલામાં પિતાને છોડાવવા પડેલા ૧૧ વર્ષના પુત્ર હાર્દિક ઉપર પણ તલવાર મારી હતી. ગંભીરરીતે ઘાયલ થયેલા પિતા પુત્રને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં પત્ની હેમાબેન લઇને આવ્યા હતાં. જ્યા તેણીએ તથા તેના ઇજાગ્રસ્ત પતિ વિજયભાઇએ વારસીયા પોલીસની કામગીરી પર શંકા વ્યક્ત

કરી રોષ ઠાલવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution