કોલકાતા-

નવી દિલ્હીમાં ફ્રિઝ કરી રખાયેલા પોતાના પુત્રના શુક્રકોષો એટલે કે સ્પર્મ્સ ઉપર દાવો માંડી રહેલા પિતાને આંચકો આપતા હાઈકોર્ટે શુક્રવારે એક ચૂકાદામાં કહ્યું હતું કે, મૃત પતિના વીર્ય કે શુક્રકોષો ઉપર પહેલો હક તેની વિધવા પત્નીનો છે.

પોતાના મૃત પુત્રના શુક્રકોષો પર કબજાે કરવા માટે માતા-પિતા દ્વારા કરાયેલી કાયદેસરની પ્રક્રિયામાં તેમની પુત્રવધુ દ્વારા સહકાર નથી અપાતો અને તે મેળવવા માટે તે તેમને મંજૂરી પણ નથી આપતી એવી અરજ પર હાઈકોર્ટે સુનાવણી કરી હતી. આ પિતાને એવી બીક છે કે, સ્પર્મ બેંક સાથેના કરારના સમયગાળા દરમિયાન જાે શુક્રકોષોનો નાશ થશે કે પછી એ વપરાશમાં નહીં આવે તો તેઓ તેમના સંભવિત વંશજને ગુમાવશે.

જસ્ટીસ સવ્યસાચી ભટ્ટાચાર્યે પોતાના ત્રણ પાનાના ચૂકાદામાં કહ્યું હતું કે, પોતે મૃતકના પિતા છે તે દ્વારા તેમને આ શુક્રકોષો પર કોઈ મૂળ અધિકાર મળી જતો નથી. દિલ્હીની હોસ્પિટલમાં સચવાયેલા આ શુક્રકોષો બાબતે કોર્ટે કહ્યું હતું કે, તેના પર મૃત વ્યક્તિ પરીણિત હોવાને પગલે તેનો જ અધિકાર હતો અને ત્યારબાદ બીજા કોઈનો હોય તો તે તેની વિધવા પત્નીનો છે. આમ, હાઈકોર્ટે કહ્યું હતું કે, પોતાનો પુત્ર હોવાને પગલે તેના વંશ ઉપરનો પણ પોતાનો અધિકાર માત્ર ભ્રામક છે.