અમદાવાદ-

શહેરમાં વરસાદ પડતા જ રોગચાળો વકરતો હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં છેલ્લા 15 દિવસમાં પાણીજન્ય રોગોનો વધારો થયો છે. ખાસ કરીને ઝાડા-ઉલટી અને કમળાના કેસો વધ્યા છે. જેની વચ્ચે અમદાવાદના જગતપુર વિસ્તારમાં આવેલી લેબર કોલોનીમાં કામ કરતા મજૂરનું ઝાડા-ઉલટી થતા સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું 12 કલાકમાં જ સારવાર દરમિયાન મોત થયું. શહેરમાં એકતરફ ઝાડા-ઉલટીના કેસો વધી રહ્યા છે, ત્યારે એક વ્યક્તિનું મોત થતા કોર્પોરેશનના આરોગ્ય વિભાગે જાગવાની જરૂર છે અને ત્યાં પાણીના સેમ્પલ લઈ અને તપાસ કરવાની જરૂર છે. આ ઉપરાંત અમદાવાદ પૂર્વ વિસ્તારમાં પણ અનેક જગ્યાઓ પર સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

 જગતપુર વિસ્તારમાં આવેલા ગણેશ ગ્લોરી એના લેબર કોલોનીમાં અનેક પરપ્રાંતિય મજૂરો પોતાના પતરાંના ઘર બાંધીને રહે છે. મૂળ પશ્ચિમ બંગાળનો બબલુ બેસરા (ઉ.વ.44) નામનો વ્યક્તિ પણ ત્યાં જ રહી મજૂરી કામ કરતો હતો.મંગળવારે મોડી રાતે 2.30 વાગ્યે ઝાડા-ઉલટીની તકલીફ થતા તેને સારવાર માટે તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું બીજા દિવસે બપોરે 2 વાગ્યે સારવાર દરમિયાન મોત થયું હતું. ઝાડા-ઉલટીથી મોત થતા કોર્પોરેશન તંત્રએ ગંભીર થવાની જરૂર છે. કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણીની પણ સમસ્યાઓ છે જેને દૂર કરવાની જરૂર છે. ​​​​​​​ચાલુ વર્ષના જુલાઈ મહિનામાં 24 જુલાઈ સુધી શહેરમાં ઝાડા-ઉલટીના 529 કેસો, કમળાના 125 કેસો, ટાઇફોઇડના 114 કેસો અને કોલેરાના 80 કેસો નોંધાયા છે. જોકે ગત અઠવાડિયે કરેલા સર્વેમાં અમદાવાદના પૂર્વના કેટલાક વિસ્તારોમાં ટાઇફોડ અને ઝાડા-ઉલટીના કેસો વધુ મળી આવ્યા હતા. જે વિસ્તારોમાં તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં ચોમાસામાં પાણી જન્ય રોગોમાં વધારો, અમદાવાદમાં ચોમાસામાં પાણી જન્ય રોગોમાં વધારો, ડેન્ગ્યુના 45, ચીકનગુનિયાના 16 કેસો નોંધાયા, ​​​​​​​મચ્છરજન્ય રોગોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સાદા મેલેરીયાના કેસો અને ડેન્ગ્યુના કેસો ઓછા છે. 88 કેસો સાદા મેલેરીયા અને ઝેરી મેલેરીયાના 5 કેસો છે. ડેન્ગ્યુના 45 કેસ, ચીકનગુનિયાના 16 કેસો નોંધાયા છે. ખાસ કરીને મચ્છરજન્ય રોગો વધારે પ્રમાણમાં વકરે તે પહેલાં તંત્ર દ્વારા ચેકીંગ અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને પૂર્વ વિસ્તારોમાં દવાનો છંટકાવ અને બ્રિડિંગ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારમાં દવાનો છંટકાવ અને આરોગ્ય કેન્દ્રો પર અને ધન્વંતરિ રથને પણ આ વિસ્તારોમાં રાખવામાં આવ્યા છે. જેથી તમામ દવાઓ લોકોને જલ્દી મળી રહે.