ઘરના ઓટલે માસ્ક વગર બેઠેલા લોકો પાસે દંડ વસુલ કરાતા નગરમાં ઉગ્ર રોષની લાગણી
08, એપ્રીલ 2021

રાજપીપળા, નર્મદા જિલ્લામાં કોરોના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે.કોરોના પર કાબુ મેળવવા પોલિસ અને આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં માસ્ક વગર ફરતા અને કોવિડ ગાઈડલાઈનનું પાલન ન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ રહી છે.રાજપીપળા પોલીસે પોતાના ઘરના ઓટલે માસ્ક વગર બેઠેલા લોકો પાસે દંડ ઉઘરાવતા લોકોમાં રોષ ફેલાયો છે.રાજપીપળામાં માસ્ક વગર ફરતા લોકો પાસે દંડ ઉઘરાવતી વખતે અગાઉ ઘણી વાર પોલિસ અને લોકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા જ છે.રાજપીપળા શહેરમાં માસ્ક વગર ફરતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા નીકળેલી પોલીસ કાછીયાવાડ વિસ્તારમાં પહોંચી હતી.પોલિસ ટીમે ઘરના ઓટલે માસ્ક વગર બેઠેલા લોકો પાસે ૧૦૦૦ રૂપિયા દંડ ઉઘરાવતા પોલિસ અને કાછીયાવાડના લોકો વચ્ચે રીતસરના તું તું મેં મેં થયું હતું.રાજપીપળા પોલીસની આ કાર્યવાહી સામે સ્થાનિકોએ રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે ભીડભાડ વાડા વિસ્તારના લોકો પાસે પોલીસ દંડ નથી વસુલતી પણ પોતાના ઘરના ઓટલે બેઠેલા લોકો પાસે વસુલે છે.શુ અમારે અમારા ઘરના ઓટલે પણ નહીં બેસવાનું, અમારે ઘરમાં જ પુરાઈ રહેવાનું.જ્યારે ચૂંટણી વખતે નેતાઓ માસ્ક વગર રેલીઓ કાઢતા હતા ત્યારે આ પોલિસ ક્યાં ગઈ હતી.કોરોના મહામારી ચાલે છે એ વાત સાચી પણ શહેરના ભરચક વિસ્તરમાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી, અને હવે મહોલ્લામાં આવી લોકો પાસે ૧૦૦૦ રૂપિયાનો દંડ વસુલ કરે એ કેટલું વ્યાજબી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution