વડોદરા સામુહિક આપઘાત પ્રકરણમાં વધુ એક મોત સાથે મરણાંક પાંચ થયો, પૂરી વિગત વાંચો 
07, માર્ચ 2021

વડોદરા-

સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરનાર વડોદરાનો સોની પરિવાર આખેઆખો વિખેરાઈ ગયો છે. વડોદરામાં સોની પરિવારના સામૂહિક આપઘાત કિસ્સામાં ભાવિન સોનીનું પણ મોત થયું છે. આ સાથે જ મોતનો આંકડો 5 પર પહોંચ્યો છે. આજે વહેલી સવારે ભાવિન સોનીનું મોત નિપજ્યું છે. ગઈકાલે તેમના માતા દિપ્તી સોનીનું મોત નિપજ્યું હતુ. ભાવિન સોનીના મૃતદેહને લેવા માટે તેમના સ્વજનો પહોંચ્યા છે. સ્વજનોએ તેમના અંતિમ વિધિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાવિન સોનીએ મરતા પહેલા જ્યોતિષીઓને ઉઘાડા પાડી દીધા હતા. 32 લાખની છેતરપીંડી કરનારા જ્યોતિષીઓના નામ પોલીસને આપ્યા હતા. સામૂહિક આત્મહત્યા કેસમાં પરિવારના મોભી નરેન્દ્ર સોની, તેમના પત્ની દીપ્તિ સોની, પૌત્ર પાર્થ સોની અને પુત્રી રિયા સોનીનું મોત થયું હતું. તો પુત્રવધુ ઉર્વી સારવાર હેઠળ છે અને તેમની હાલત પણ ગંભીર છે.

શહેરના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે ત્રણ દિવસ પહેલા સામૂહિક આત્મહત્યા કરી હતી. પરિવારના મોભી નરેન્દ્ર સોનીએ આખા પરિવારને કોલ્ડ ડ્રીંકમાં ઝેર ભેળવીને પીવડાવ્યું હતું. જેમાં નરેન્દ્ર સોની, તેમની દીકરી તથા પૌત્રનું મોત નિપજ્યું હતું. પુત્ર ભાવિન સોની, પુત્રવધુ ઉર્વી અને નરેન્દ્ર સોનીના પત્ની દિપ્તી સોનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ભાવિન સોનીની તબિયત સારી હતી, પરંતુ બંને સાસુ-વહુની હાલત ગંભીર હતી. જેમાં ગઈકાલે દિપ્તી સોનીનું પણ મોત નિપજ્યું છે. દીપ્તિ સોની ઘટના બાદથી વેન્ટિલેટર પર હતા. તો આજે પુત્ર ભાવિન સોનીનું મોત નિપજ્યું છે. આમ, સામૂહિક આપઘાતના મોતનો આંકડો  પાંચ પર પહોંચી ગયો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution