12, ઓગ્સ્ટ 2021
અમદાવાદ-
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવીને જાણીતા થઇ ગયેલા અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે ઓબીસી અનામતમાં યાદી નીશ્ચીત કરવા રાજય સરકારને સત્તા આપતા સંસદના ખરડાને આવકાર આપતા કહ્યુ કે લાંબા સમયથી અમે પણ માંગણી કરી રહ્યા હતા અને વિપક્ષોએ પણ સંસદમાં આ ખરડાને સહકાર આપ્યો છે. પણ હવે અનામતની મર્યાદા જે 50 ટકા મુકાઇ છે તે અંગે તમામ પક્ષોએ એક થવુ જોઇએ અને આ મર્યાદા દૂર થાય તેવી જોવુ જોઇએ. હાર્દિક પટેલે કહ્યું કે ઓબીસી અનામતમાં સમાવવા માટે પાટીદાર સહિતના અનેક સમુદાય છે અને ભવિષ્યમાં તે પ્રશ્ર્ન ઉભા થશે. પરંતુ જે 50 ટકા અનામતની મર્યાદા છે તે દૂર થાવી જોઇએ. અને વિપક્ષોએ આ માટે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવુ જોઇએ. તેમણે કહ્યું કે મે અગાઉ પાટીદારોને ઓબીસીમાં સમાવવાનું જ આંદોલન કર્યુ હતું અને તેના પરિણામે 10 ટકા આર્થિક અનામત મળી છે પણ ખરો મુદ્દો તો ઓબીસી અનામતને વધારવાનો છે. સંસદમાં હાલમાં જ રાજ્ય દ્વારા OBC List અંગેનો 127મો બંધારણીય સુધારા બિલ પસાર કરવામાં આવ્યું હતું. તે બિલને લઈને સરકાર વિપક્ષે એક સુર થઈને સ્વીકાર્યો છે, ત્યારે સુરત પ્રવાસે આવેલા કોંગ્રેસના કારોબારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આ કાયદાનું હાર્દિક સ્વાગત છે, વર્ષ 2011માં જે વસ્તી ગણતરી થઈ હતી તેના આંકડા અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યા નથી, વર્ષ 2021માં જાતિગત વસ્તી ગણતરી થવી જોઈએ.