ગાંધીનગર-

રાજ્યમાં દિનપ્રતિદિન પ્રદુષણમાં વધારો થઇ રહ્યો છે, ભલે પ્રદુષણના પ્રકારો અલગ અલગ હોય પણ તેની અસરો તો થાય જોવા મળતી જ હોય છે. અને તે કાગળ પર પણ અનેક વખત અનેક જીલ્લ્લાઓમાં સામે આવી ચુક્યું છે, વધુમાં વસ્તીની સાથે વાહનોની સંખ્યામાં પણ સતત વધારો રાજ્યમાં થઇ રહ્યો છે, અને વાહનોમાં વપરાતા ઇંધણને કારણે પણ પ્રદુષણમાં વધારો થાય છે, એવામાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના કલાયમેટ ચેન્જ વિભાગની આગામી એક દશકાની કામગીરી અને ભાવિ રોડમેપના દસ્તાવેજ પુસ્તકનું ઇ-લોકાર્પણ કરી. વાહનોથી ફેલાતાં પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર-થ્રી વ્હીલરના ઉપયોગ માટેની સહાય યોજનાની જાહેરાત કરી છે,

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નગરો-શહેરોમાં વાહનોથી ફેલાતા વાયુ પ્રદૂષણને અટકાવવા બેટરી સંચાલિત ટુ વ્હીલર થ્રી વ્હીલરના ઉપયોગ માટે એક ખાસ સહાય યોજનાજાહેર કરી છે. જેમાં રાજ્યના ધોરણ-9 થી કોલેજ સુધીનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ વ્હીલર ખરીદવા માટે રાજ્ય સરકાર રૂપિયા 12 હજારની સહાય આપશે. આ સહાયમાં 10 હજાર વાહનોને સબસિડી આપવાનું આયોજન છે. ઉપરાંત વ્યકિતગત તેમજ સંસ્થાકીય લાભાર્થીઓ માટે બેટરી સંચાલિત ઇ-રિક્ષા થ્રી વ્હીલર ખરીદવા માટે પણ 48 હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે અને તેમાં અંદાજે પાંચ હજાર ઇ-રિક્ષાઓને તેનો લાભ અપાશે. 

ઉપરાંત બેટરીથી ચાલતાં વાહનો માટે ચાર્જિંગની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા 50 લાખની યોજનાને સાથોસાથ રાજ્યમાં અમલમાં મુકવામાં આવી છે. વધુમાં ગુજરાત એસટી નિગમ સાથે પણ ક્લાઇમેટ ચેન્જ વિભાગે એમઓયુ કર્યો છે, જે અંતર્ગત ૨૫થી 34 સીટવાળી 50 ઇલેક્ટ્રિક બસો એપ્રિલથી ડિસેમ્બર-2021 સુધીમાં રસ્તા ઉપર મુકાશે તેમજ પ્રદૂષણ ઘટાડે તેવી બીએસ-૬ની 1 હજાર એસટી બસો માર્ચ-2021 સુધીમાં સંચાલનમાં મુકાશે જાહેરાત કરી હતી.