જયપુર,

કોરોના વાયરસને 'કોરોનિલ' દવાથી ઠીક કરવાનો દાવો કરવા અંગે યોગ ગુરુ બાબા રામદેવ મુશ્કેલીઓમાં ઘેરાતા જાવા મળી રહ્યા છે. રાજસ્થાનના જયપુરમાં આ દવાના દાવા વિશે બાબા રામદેવ, પતંજલિ આયુર્વેદના સીઈઓ આચાર્ય બાલકૃષ્ણ અને ચાર અન્ય લોકો સામે એફઆઈઆર નોંધાવવામાં આવી છે. એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બાબા રામદેવે પતંજલિ આયુર્વેદની દવા કોરોનિલને કોરોનાની દવાના રૂપમાં પ્રચારિત કરીને દેશના લોકોને ગુમરાહ કર્યા છે.

તમને જણાવી દઈએ કે ગયા મંગળવારે જ બાબા રામદેવે કોરોનિલને કોરોના વાયરસના ઈલાજની દવા ગણાવીને લાન્ચ કરી હતી. ત્યારબાદથી જ આ દવા અને બાબ રામદેવ માટે વિવાદ ચાલી રહ્યો છે. આયુષ મંત્રાલયે પતંજલિ આયુર્વેદ પાસે કોરોનિલના ટ્રાયલ અંગેની બધી માહિતી માંગીને આ દવાને કોરોના વાયરસના ઈલાજની દવા સ્વરૂપે પ્રચારિત કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ વિશે જયપુરના જ્યોતિનગર પોલિસ સ્ટેશનમાં બાબા રામદેવ, તેમના સહયોગી અને પતંજલિ આયુર્વેદના એમડી આચાર્ય બાલકૃષ્ણ, વૈજ્ઞાનિક અનુરાગ વાષ્ણેય, એનઆઈએમસએસના ચેરમેન બલબીર સિંહ તોમર અને નિર્દેશક અનુરાગ તોમર સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. એફઆઈઆરમાં આ લોકો પર કોરોનિલને કોરોના વાયરસની દવા તરીકે ભ્રામક પ્રચાર દ્વારા દેશને ગુમરાહ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.