પટના-

બિહારમાં દરભંગાના હાયાઘાટ વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર રવીન્દ્રનાથ સિંઘ ઉર્ફે ચિંટુ સિંઘને ગુરુવારે મોડી રાત્રે અજાણ્યાઓએ ગોળી મારી દીધી હતી. હૉસ્પિટલમાં એની સ્થિતિ ગંભીર હોવાનો અભિર્યા ડૉક્ટરોએ આપ્યો હતો. હજુ તો ગુરુવારે સાંજે બિહાર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાની પ્રચાર ઝુંબેશ પૂરી થઇ હતી. ચિંટુ સિંઘ પોતાની કારમાં જઇ રહ્યા હતા ત્યારે કાર રોકીને બદમાશોએ એમને બે ગોળી મારી હતી. એમને ગંભીર સ્થિતિમાં હૉસ્પિટલમાં લઇ જવાયા હતા.

પોલીસે કહ્યું હતું કે ચિંટુ સિંઘ પોતાનો પ્રચાર પતાવીને પોતાના ગામ દુગૌલી તરફ પાછા ફરી રહ્યા હતા. એ દરમિયાન એમને કોઇનો ફોન આવ્યો હતો. ત્યારબાદ કોઠરી વિસ્તારમાં બદમાશોએ તેમની કાર રોકી હતી અને એમના પર બે ગોળીબાર કર્યા હતા. પોલીસ સુપરિન્ટેન્ડન્ટ અશોક પ્રસાદે કહ્યું હતું કે ગોળી મારવાના કારણની અમને જાણ નથી. ચિંટુ સિંઘ હોશમાં આવે અને માહિતી આપે ત્યારબાદ કંઇક ખબર પડે.

પોલીસ હુમલાખોરોની તપાસ કરી રહી હતી. હાયાઘાટ બેઠક પર ચિંટુ સિંઘ ઊભા રહેવાથી અહીંનો ચૂંટણી જંગ ત્રિકોણ બની ગયો હતો. અત્યાર પહેલાં માત્ર ભાજપ અને રાજદ વચ્ચે જંગ હતો. ભાજપે રામચંદ્ર સાહુને અને રાજદે ભોલા યાદવને ઊભા રા હતા. પરંતુ ચિંટુ સિંઘની વગ અહીં ઘણી હતી. લોકો એક નિઃસ્વાર્થ સમાજ સેવક તરીકે ચિંટુ સિંઘને પિછાણતા હતા અને એ વિધાનસભાની ચૂંટણી જીતી જાય એવી પૂરી શક્યતા હતી.