વડોદરા : વડોદરામાં શનિવારે રાત્રિ દરમિયાન ઝરમર વરસાદ વરસ્યા બાદ વહેલી સવારથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરતાં ગણતરીના કલાકોમાં બપોરે ૧ર વાગ્યા સુધીમાં ૪ ઈંચ વરસાદ થતાં પાલિકાતંત્રની પોલ ખૂલી ગઈ હતી અને મોટાભાગના વિસ્તારોમાં પાણી-પાણી થઈ ગયાં હતાં. શહેરમાં દિવસ દરમિયાન પાંચ ઈંચ અને પાદરા તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ થયો હતો. સાંજે ૬ વાગે આજવાની સપાટી ૨૧૨.૭૦ અને વિશ્વામિત્રીની સપાટી ૧૬.૨૫ ફૂટ નોંધાઈ હતી. વડોદરા શહેરમાં શનિવારે બપોરે વરસાદના જાેરદાર ઝાપટાં બાદ રાત્રિ દરમિયાન છૂટાછવાયા ઝરમર વરસાદ સાથે ર૬ મિ.મી. વરસાદ થયો હતો. જ્યારે સવારે ૬ થી ૮ દરમિયાન ૧૩ મિ.મી. વરસાદ થયો હતો. જાે કે, સવારે ૮ વાગ્યા બાદ મેઘરાજાએ એકાએક તોફાની બેટિંગ શરૂ કરી હતી. સવારે ૧૦ વાગ્યા સુધીમાં અઢી ઈંચ વરસાદ થતાં શહેરના રાવપુરા રોડ, માંડવી રોડ, દાંડિયા બજાર, અલકાપુરી ગરનાળું, જેલ રોડ, ખંડેરાવ માર્કેટ પાછળ વેરાઈ માતાનો ચોક, ગેંડા સર્કલ, પૂર્વ વિસ્તારમાં કિશનવાડી રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. 

ઉપરાંત રાજસ્થંભ સોસાયટી, પૂર્વ વિસ્તાર તેમજ ગોરવા વિસ્તારની અનેક સોસાયટી તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ સોસાયટીઓ તેમજ વસાહતોમાં ઘૂંટણસમાં પાણી ભરાતાં પાલિકાતંત્રની પોલ ખૂલી ગઈ હતી. જાે કે, બપોરે ૧ર વાગ્યા સુધી એકધારો વરસાદ બાદ વરસાદનું જાેર ઘટયું હતું. પરંતુ સાંજ સુધીમાં વડોદરા શહેરમાં ૧૨૧ મિ.મી. એટલે કે પાંચ ઈંચ વરસાદ થયો હતો. સતત વરસાદને પગલે તેમજ આજવા, પ્રતાપપુરા પાસેના જાેડિયા, ઉજેટી ગેટ તેમજ વિશ્વામિત્રીના રેડિયલ ગેટ, હંસાપુરા અને મુંઢેલા વેસ્ટ વિયરમાંથી વિશ્વામિત્રી નદીમાં ૧૬૬૧૨ કયુસેક પાણી છોડાતાં સવારે ૬ વાગે ૭ ફૂટે વહેતી વિશ્વામિત્રી નદીની સપાટી સાંજે ૬ વાગે ૧૬.૨૫ ફૂટે પહોંચી હતી. જાે કે, સાંજે ફરી એકવાર ધોધમાર વરસાદ થયા બાદ ધીમીધારે છૂટોછવાયો વરસાદ જારી રહ્યો હતો. પરંતુ સવારે ૬ કલાકે થયેલા વરસાદમાં શહેરમાં પાણી-પાણી થઈ ગયાં હતાં અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વડોદરામાં સવારે ૬ થી સાંજે ૬ સુધીમાં ૧૨૩ મિ.મી., જ્યારે પાદરામાં ૭૮ મિ.મી. વરસાદ થયો હતો.