દિલ્હી,

ભારતીય રેલ્વેના પાટા પર હવે સોલાર પાવરની શક્તિથી ટ્રેનો દોડશે. ભારતીય રેલ્વેએ આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રેલ્વેએ તેના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત મધ્ય પ્રદેશના બીનામાં સોલર પાવર પ્લાન્ટ સ્થાપ્યો છે, જે 1.7 મેગા વોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે અને આ શક્તિથી ટ્રેનો ચલાવવા માટે તૈયાર છે.

રેલવેનો દાવો છે કે વિશ્વના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે સૌર ઉર્જાનો ઉપયોગ ટ્રેનો ચલાવવા માટે કરવામાં આવશે. આ પાવર પ્લાન્ટની ખાસ વાત એ છે કે અહીંથી 25 હજાર વોલ્ટ વીજળી ઉત્પન્ન થશે જે સીધી રેલ્વેના ઓવરહેડ પર સ્થાનાંતરિત કરવામાં આવશે અને આની મદદથી ટ્રેનો દોડાવવામાં આવશે.

મધ્ય પ્રદેશના બીનામાં, BHELના સહયોગથી રેલવેની ખાલી પડેલી જમીન પર 1.7 મેગાવોટ ક્ષમતાનો સોલર પાવર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આખા વિશ્વમાં આવો કોઈ પાવર પ્લાન્ટ નથી, જેથી ટ્રેન ચલાવી શકાય. વિશ્વના અન્ય રેલ્વે નેટવર્ક મુખ્યત્વે સ્ટેશનો, રહેણાંક વસાહતો અને ઓફિસોની વીજ જરૂરિયાતોને પહોંચી વળવા સોલાર એનર્જીનો ઉપયોગ કરે છે.

ભારતીય રેલ્વેએ કેટલાક કોચની છત પર સોલર પાવર પેનલ્સ પણ લગાવ્યા છે, જેના કારણે ટ્રેનના કોચમાં વીજળી આપવામાં આવી રહી છે. પરંતુ આજ સુધી કોઈ રેલ્વે નેટવર્ક ટ્રેનો ચલાવવા માટે સોલાર એનર્જીનો ઉપયોગ કરી શક્યો નથી. સોલાર પ્લાન્ટ ડીસી પાવર ઉત્પન્ન કરશે જે ઇન્વર્ટર દ્વારા અને એસીમાં રૂપાંતરિત કરવામાં આવશે ટ્રાન્સફોર્મર દ્વારા 25KV એસીની ઉર્જાને ઓવર હેડ (ટ્રેનોની ઉપરના ઇલેક્ટ્રિક વાયર) સુધી પહોંચાડશે. આ સૌર પ્લાન્ટ વાર્ષિક 24.82 લાખ યુનિટ વીજળી ઉત્પન્ન કરશે. રેલવે આ પ્લાન્ટમાંથી વાર્ષિક વીજળી બિલમાં 1.37 કરોડ રૂપિયાની બચતની અપેક્ષા રાખે છે