જીમમાં જઈને ટ્રેડમીલ પર પરસેવો પાડતા કે પછી રોઈંગ કે વેઈટ લિફ્ટીંગ કરીને સોલા કા ડોલા બનાવવા પ્રયાસ કરતા આજના યુવાનોમાંથી તમે એક હોવ તો તમારી અને ગાંધીજીની વચ્ચે ઓછામાં ઓછી એક વાત તો મેચીંગ છે જ, અને તે છે શરીર પ્રત્યેની કાળજી. આજના યંગસ્ટર્સ પોતાના મસલ્સ બનાવવા કે બતાવવા માટે પ્રોટીન પાવડરનો ઉપયોગ કરે છે, તો ગાંધીજીને પણ એમની એ ઉંમરે બાવડાં બનાવવાનો ચસકો લાગ્યો હતો અને કોઈક દોસ્તની સલાહથી તેમણે પ્રોટીનની અવેજીમાં ગોટ મીટ એટલે કે બકરાનું માંસ ટ્રાય કર્યું હતું.

તંદુરસ્તી અને શારીરીક ક્ષમતા વિશે ગાંધીજીએ જેટલા પ્રયોગો બાળપણથી કરેલા એટલા ભાગ્યે જ કોઈએ કર્યા હશે. દિવસોના દિવસો સુધી ગાંધી શાકભાજી ખાઈને જ રહેતા. ક્યારેક ખાલી ફળો ખાઈને કે પછી માત્ર દૂધ પીને જ તંદુરસ્તી કેવીક રહે છે, તેનો ક્યાસ કાઢવા મહાત્માએ ખૂબ અભ્યાસ કર્યો હતો. થોડા દિવસો સુધી મીઠું સદંતર બંધ કરવાનો પ્રયોગ પણ ગાંધીજીએ કર્યો હતો, પરંતુ ખૂબ નબળાઈ લાગવાને પગલે તેમણે એ પ્રયોગ જતો કર્યો હતો. ખેર, એ લાંબી વાતો લખીએ તો જગ્યા ઘટી પડે, પણ ગાંધીજી પોતાની તંદુરસ્તી પ્રત્યે ખૂબ સજાગ હતા અને નેચરોપથી-નિસર્ગોપચારના પ્રણેતા રહીને તેમણે પોતાની તંદુરસ્તી ખૂબ સાચવી હતી. તેમની તંદુરસ્તી એટલી બધી સારી હતી કે ગાંધીજી પોતે સો વર્ષથી વધારે જીવવાની ઈચ્છા ધરાવતા હતા.

ગાંધીજીની સવાસોમી જયંતીના પ્રસંગે ગાંધી સવાસો નામનું પુસ્તક બહાર પડેલું. પોતાના સત્યના પ્રયોગો ઉપરાંત મારૂં જીવન એ જ મારો સંદેશ જેવા પુસ્તકોમાં ગાંધીજીએ પોતાના દીર્ઘાયુષ્ય કે તંદુરસ્તી માટેના પ્રયોગો અને તારણોને વિસ્તારથી લખ્યા છે, જે તમારે વિગતે વાંચીને લાભ લેવો જોઈએ. આટલી બધી જહેમતથી પોતાની તંદુરસ્તીને સાચવતા ગાંધીજીની એવી પ્રબળ ઈચ્છા હતી કે તેઓ 115 વર્ષ જીવે. તેમના અંતેવાસીઓ અને તેમની તંદુરસ્તીને નજીકથી જાણનારા લોકો પણ આ વાત સાથે સંમત થતા હતા.

બોલિવૂડની ફિલ્મોની માફક ફટાફટ ક્લાઈમેક્સ પર જતા દર્શકની માફક તમે પણ હવે હીરોની એન્ટ્રી પછી વિલન ક્યારે આવે તેની રાહ જોતા હોવ તો, થોભી જાવ. 

ભારતની છાતી પર છેદ કરીને પાકિસ્તાન બનાવાય એવું ગાંધી નહોતા ઈચ્છતા. તેઓ પાકિસ્તાનને અલગ જ નહોતા કરવા માંગતા. તેમનો એ નિર્ણય યોગ્ય હતો કે નહીં તેનું ચિંતન તમે ફૂરસદે કરી લેજો પણ અહીં વાત આગળ વધારીએ. બન્યું એવું કે, ગાંધીજી સાબરમતી આશ્રમમાં રહેતા હતા ત્યારે તેમને કેટલાંક હિંદુવાદી નેેતાઓ મળવા આવ્યા હતા. રૂઢીચૂસ્ત હિંદુઓનું એ ટોળું તેમને એ સમજાવવા આવ્યું હતું કે, તેઓ પાકિસ્તાન અને તે દ્વારા મુસ્લીમો અલગ થવા માંગતા હોય તો તેમની એ માંગની આડે ન આવે. લાંબો સમય આ બાબતે ચર્ચા થઈ. આ ભીડને ગાંધી કોઈ રીતે પોતાની વાત સમજાવી ન શક્યા અને આશ્રમની બહાર ગાંધી વિરોધી સૂત્રોચ્ચાર થવા લાગ્યા. વાત ત્યાં સુધી વણસી કે ગાંધીએ આશ્રમ બહાર જઈને આ ભીડને સંબોધન કરવું પડ્યું. ગાંધીએ ટોળાને સમજાવ્યું કે, હિંદુ-મુસ્લીમ બંને ભાઈઓ એક જ ઘરમાં રહેશે. આવું અખંડ ભારત રચાય એ મારે મારી સગી આંખે જોવું છે અને ત્યાં સુધી મારે જીવવું છે......

....બસ, આ વખતે ભીડમાંથી એક કટ્ટરવાદી ચહેરા પરથી શબ્દો સરી પડ્યા હતા કે.....પણ કોઈ જીવવા દેશે તો, ને. અને એ ચહેરો કેટલાંકે ઓળખી લીધો હતો, જેનું નામ હતું, નથુરામ ગોડસે !


લેખકઃ વિજય યાજ્ઞિક