ગાંધીનગર પોલીસે મોડી ફાઈડ કરેલા 20 બુલેટને ડિટેઇન કર્યા, 38 વાહન ચાલકોને દંડ કરાયો
16, ફેબ્રુઆરી 2021

ગાંધીનગર-

બુલેટને મોડીફાઈડ કરી અને તેનાં સાયલેન્સરને પણ મોડી ફાઈડ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ રાજાઓની શાન ઠેકાણે લાવવા માટે ગાંધીનગર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્ટ્રાઇક શરૂ કરી વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેનાં પગલે અત્યાર સુધીમાં મોડીફાઈડ કરેલા ૧૫ બુલેટ અને ૫ બાઇકને ડિટેઈન કરવામાં આવ્યા છે. જયારે ૩૮ વાહનચાલકોને ધ્વનિ પ્રદુષણ સહિત અન્ય નિયમોના ભંગ બદલ ૧૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. બુલેટનું ઓરિજિનલ સાયલેન્સર કઢાવીને વધારે પડતું લાઉડ સાયલેન્સર નંખાવીને દેખાડો કરતા નબીરાઓ સામે ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા સ્ટ્રાઇકની શરૂઆત કરવામાં આવી છે. થોડા સમય અગાઉ ગોધરાના એડવોકેટ રમજાન જુજારાએ વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા આવાં બુલેટ ચાલકોનાં બુલેટ ડિટેઈન કરી સાયલેન્સર કાઢી લેવાની રજૂઆત કરવામાં આવી હતી.

જેનાં પગલે વાહન વ્યવહાર મંત્રીએ રાજયના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને મોડીફાઈડ બુલેટને લઈને માર્ગો પર બેફામ ગતિએ દોડતાં બુલેટ ચાલકો સામે કઠોર કાર્યવાહી કરવા ભલામણ કરી હતી. ત્યારે સરકારનાં આદેશ બાદ ગાંધીનગર ટ્રાફિક પોલીસ હરકતમાં આવી ગઈ છે. અને શહેરનાં મુખ્ય પ્રવેશદ્વાર સહિતનાં માર્ગો પર સઘન ચેકીંગ હાથધરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટ ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંગે ગાંધીનગર ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટર મનીષા પુવારે જણાવ્યું હતું કે, મોટાભાગના બુલેટ સવારો અન્ય લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે ઓરિજિનલ બુલેટનાં સાયલેન્સરને મોડીફાઈડ કરીને અવાજ કરતાં હોય છે. આ અવાજથી અન્ય વાહન ચાલકો હેરાન થવાની સાથે ઘણીવાર અકસ્માત કરી બેસે છે.

એક સર્વે મુજબ ગાંધીનગરનાં રિલાયન્સ ચાર રસ્તા, સેન્ટ્રલ વિસ્ટા અને 'જ' રોડ પર આવા બુલેટ વધું ફરતાં હોય છે, જેથી આ વિસ્તારમાં ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૧૯૪ (એફ) કલમ મુજબ મોડી ફાઈડ કરેલા૧૫ બુલેટ તેમજ ૫ બાઇકને ડિટેઈન કરવામાં આવ્યા છે અને ૩૮ વાહન ચાલકોને ૧ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા બુલેટચાલકો સામે વધુ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution