ગાંધીનગર-

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ટેકો આપ્યો હતો. તેઓ ગાંધી આશ્રમથી દિલ્હી સુધી ખેડૂત અધિકાર યાત્રા યોજાવાના હતા. ત્યારે આજે આંદોલન કરે તે પહેલા જ તેઓને નજરકેદ કરાયા છે. તેમના નિવાસ સ્થાને વસંત વગડા ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગાંધી આશ્રમ ખાતે લગાવવામાં આવેલા તમામ બેનર અને મુખ્ય દરવાજા પાસેથી ઝંડા દૂર કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા શંકરસિંહ વાઘેલાના ફોટો સાથે લાગેલા બેનરો હટાવવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધુ ચુસ્ત કરવામાં આવ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ખેડૂત અધિકાર યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. તેઓ ગાંધી આશ્રમથી દિલ્હીના રાજઘાટ સુધી યાત્રા યોજવાના હતા. ત્યારે આજે શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદમાં સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, મેં અટલજીના જન્મ દિવસે યાત્રાની જાહેરાત કરી હતી. આજે સાંજ સુધીમાં નક્કી કરીશ કે કાલથી શું કરવું. પણ હું ખેડૂત અધિકાર યાત્રા કરીશ. દિલ્હી નહિ જાઉં તો ગુજરાતના ગામડામાં ફરીને ખેડૂતોને મળીશ. સરકારે હું બહાર ન નીકળી શકું તેવી કરી વ્યવસ્થા છે. પણ હું સરકારને પૂછવા માગું છું, કોઈને વિરોધનો અધિકાર નથી? મને સવારે સૂચના મળી કે તમે હાઉસ અરેસ્ટ છો. મને કહેવામાં આવ્યું કે તમે બહાર નહીં જઈ શકો.