વડોદરા, તા.૨ 

મુંબઈના સુપ્રસિદ્ધ લાલબાગ ચા રાજા ગણેશ મંડળે વૈશ્વિક કોરોના મહામારીના કારણે ગણેશોત્સવની ઉજવણી નહીં કરીને ૧૧ દિવસ આરોગ્યોત્સવની ઉજવણીનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વડોદરાના ગણેશ મંડળો દ્વારા આગામી ગણેશોત્સવ સાદાઈથી અને સરકારના તમામ નિયમોનું પાલન કરીને તેમજ તંત્ર દ્વારા જે મંજૂરી અપાશે તેટલા જ ફૂટની પ્રતિમાની સ્થાપનાનો નિર્ણય લીધો છે. જા કે, શહેર પોલીસ તંત્ર દ્વારા હજુ ગણેશોત્સવ અંગેની કોઈ ગાઈડલાઈન હજુ જાહેર કરાઈ નથી.

વડોદરામાં દરેક તહેવારની જેમ ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને તેની તૈયારીઓ ચાર-પાંચ મહિનાથી શરૂ થઈ જાય છે. જા કે, આ વરસે ગાઈડલાઈન જાહેર કરાઈ નથી જેથી હજુ અનેક મંડળોએ શ્રીજીની પ્રતિમાના ઓર્ડર આપ્યા નથી. જા કે, પ્રતાપ મડઘાની પોળ ગણેશોત્સવ મંડળના પ્રમુખના જણાવ્યા મુજબ ગણેશોત્સવમાં પડતી મુશ્કેલીઓ અંગે શહેરના વિવિધ ગણેશ મંડળોનું સંગઠન બનાવવામાં આવ્યું હતું.

આ સંગઠન દ્વારા સરકાર દ્વારા ગણેશોત્સવ સંદર્ભે જે કોઈ ગાઈડલાઈન અને નીતિનિયમો જાહેર કરાશે તે મુજબ જ ગણેશજીની પ્રતિમાની સ્થાપના સાથે ઉજવણી કરવામાં આવશે, સાથે તમામ ગણેશ મંડળોને આ સંદર્ભે સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છ કે સુરત અને અમદાવાદમાં બે ફૂટથી મોટી પ્રતિમાની સ્થાપના નહીં કરવા અને ઘરમાં જ શ્રીજીની સ્થાપના કરવાની સૂચના જાહેર કરવામાં આવી છે.

ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા બેથી ત્રણ ફૂટની માટીની મૂર્તિની સ્થાપના માટે કેમ્પેઈન કરાશે ઃ ૧ લાખ માસ્કનું વિતરણ કરાશે

કોવિડ-૧૯ કોરોનાની મહામારીના કારણે આ વરસે શ્રી ગણેશ ઉત્સવ સાદગથી ઉજવવાનો રેસ કોર્સ Âસ્થત ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળે નિર્ણય કર્યો છે. વરસોની પરંપરા અનુસાર આ વરસે પંડાલમાં શ્રીજીની અઢી ફૂટની માટીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળના કાર્યકરોની એક બેઠક આજે મળી હતી જેમાં આ વરસે કોઈ પણ જાહેર ઈનામી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે નહીં. કોરોનાની મહામારીના પગલે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને શ્રીજીના ભક્તોની ભીડ ભેગી ન થાય તે માટે ખાસ તકેદારીના પગલાંરૂપે પંડાલ સંકુલમાં આરતી સમય સિવાય પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે નહીં. આરતીમાં પણ ર૦થી વધુ ભક્તો હાજર રહેશે નહીં. આ ઉપરાંત શ્રીજીની આગમન યાત્ર પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વરસે ગણેશ ઉત્સવ દરમિયાન એક લાખ માસ્કનું વિતરણ કરવામાં આવશે. તદ્‌ઉપરાંત પંડાલને સેનિટાઈઝેશન કરવા માટે સેનિટાઈઝરનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. સરકારની ગાઈડલાઈન મુજબ શહેરના મંડળો બેથી ત્રણ ફૂટની માટીની શ્રીજીની સ્થાપના કરે તે માટે એક કેમ્પેઈન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગણેશોત્સવની ઉજવણી અંગે જાહેરનામું બહાર પાડવા માગ

આગામી તા.રરમી ઓગસ્ટથી ગણેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગણેશોત્સવમાં લાઉડ સ્પીકર વગાડવા કે નહીં, મૂર્તિકારો પાસે કોઈપણ જાતની માહિતી નથી, જેથી આવનાર સમયમાં પૂરતી સંખ્યામાં પ્રતિમાઓ નહીં મળે તો મંડળોને તકલીફ પડવાની સંભાવના છે. ત્યારે વહેલીતકે ગણેશોત્સવની ઉજવણી સંદર્ભે ગાઈડલાઈન પાડવાની માગ સાથે અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠને માગ કરી છે.