દિલ્હી-

હવે ગૂગલ પર પૂરની આગાહીની સૂચના મળશે. આ સૂચના બાદ લોકો તેમની સુરક્ષાને લઈને યોગ્ય નિર્ણય લઈ શકશે. ગૂગલે આ માટે સેન્ટ્રલ વોટર કમિશન સાથે કરાર કર્યા છે. આ મામલે ગૂગલ ઘણા મહિનાઓથી પહેલ કરી રહ્યું છે. આ પહેલ હેઠળ ગૂગલે દેશભરમાં પૂર અંગેની જાહેર સૂચનાઓ વિવિધ ક્ષેત્રોના લોકોને મોકલી.

ગૂગલે એક નિવેદનમાં જણાવ્યું કે, આ સૂચનાઓ લોકોને સમયસર, નવીનતમ અને મુખ્ય જાણકારીઓ આપે છે. આ નવી સુવિધા હેઠળ લોકો તેમના પરિવાર અને મિત્રોની સુરક્ષાને લઈને યોગ્ય નિર્ણય લઈ શકશે. કંપનીએ જણાવ્યું કે, પૂર પ્રભાવિત વિસ્તારોમાં એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરનારા તમામ નાગરિકોને આ સૂચનાઓ મળી. આ સૂચનાઓ મેળવવા માટે ફોનનું લોકેશન ચાલુ રહેવું જરૂરી છે.

ઉલ્લેખનિય છે કે, દેશના બિહાર, આસામ, કર્ણાટક સહિતના રાજ્યો દર વર્ષે પૂરનો સામનો કરતા રહે છે. આ પૂરના કારણે ત્યાંના રહેવાસીઓને ઘણી નુકસાની પણ વેઠવવી પડતી હોય છે. તો કેટલાક મોત પણ નિપજે છે. જોકે હવે ગૂગલની આ નવી સુવિધા હેઠળ પૂરની આગાહી સમયે સાવચેતી ભર્યા પગલા અને યોગ્ય નિર્ણય લેવાથી લોકો તેમના પરિવાર અને મિત્રોને સુરક્ષા માટે યોગ્ય નિર્ણય લઈ શકશે.