વડોદરા, તા.૩૧

ગોરવા વિસ્તારમાં વૃદ્ધને રખડતી ગાયે ભેટી મારવાની બનેલી ઘટના બાદ પોલીસે રસ્તે રખડતી ગાયો પકડીને એક સ્થળે મૂકી હતી. જ્યાં ગોપાલકોનું એક ટોળું ધસી આવ્યું હતું અને ગાયો છોડાવી ગયું હતું. દરમિયાન ગોપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. પોલીસને ટોળા ઉપર હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જાે કે, પાલિકા દ્વારા જ્યાં સુધી તેમને શહેર નજીક ઢોરોને મૂકવા જગ્યા ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી તેમના ઢોરોને રસ્તે રખડતા નહીં છોડવાની સૂચના હોવા છતાં અનેક વિસ્તારોમાં ગોપાલકો તેમના ઢોર ખૂલ્લામાં રખડતા મૂકતાં અવારનવાર ગાયોના કારણે અકસ્માતોના બનાવો બને છે. જાે કે, આજે પાલિકાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૧૪ જેટલી ગાયો પકડીને ઢોરના ડબ્બામાં પૂરવામાં આવી હતી.

ગોરવા વિસ્તારની ઘટના બાદ ગોપાલકો સાંજે ભાજપા કાર્યાલય ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં ઉપસ્થિત શહેર ભાજપા મહામંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. જાે કે, આજની ઘટનાનો ગોપાલકોને ભાજપા કાર્યાલય ખાતે વીડિયો બતાવી આ જવાબદારી કોની? તેમ કહી આ અંગે કાયમી રસ્તો નીકળે તે માટે પ્રયાસ કરશે તેમ કહેવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.