વડોદરા,તા.૧૩

અયોધ્યા ખાતે નિર્માણાધીન શ્રી રામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પણ માટે પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા મુખ્યમંત્રી રુપાણીની ઉપસ્થિતિમાં એક સમારોહનું આયોજન તા. ૧૩ ફેબ્રુઆરીના રોજ બીએપીએસ સ્વામિ. મંદિર અમદાવાદ ખાતે કરાયું હતુ. આ પ્રસંગ શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટી તેમજ કોષાધ્યક્ષ પૂ. ગોવિંદગીરી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે જણાવ્યું કે રામ મંદિરની યાત્રાનો પ્રારંભ સોમનાથથી થયો હતો એટલે તેને રામ મંદિર યાત્રાની ગંગોત્રી અને સ્વામિનારાયણ મંદિરને ગૌમુખ કહેવું જાેઇએ. પૂ. પ્રમુખસ્વામી મહારાજની તવ્ર ભાવના હતી કે જન્મભૂમિ પર શ્રી રામનું ભવ્ય મંદિર બનવું જાેઇએ. આ મંદિર નિર્માણની સાથે અયોધ્યા ધ કલ્ચરલ કેપિટલ ઓફ ધ વર્લ્ડ એટલે કે વિશ્વની સાંસ્કૃતિક રાજધાની બનશે. વસુધૈવ કુટુંબકમની ભાવના જાગૃત થશે. ભારત એક સમર્થ રાષ્ટ્ર બનશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી રુપાણીએ પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું હતુ કે વર્ષો પહેલાં પ્રમુખસ્વામી મહારાજે રામશિલાનું પૂજન કર્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા ત્યારથી સતત પ્રમુખસ્વામી મહારાજથી માંડીને મહંત સ્વામી મહારાજ આ મંદિર નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે. તેમણે દુનિયાભરમાં અનેક મંદિરો, શ્રેષ્ઠ મંદિરો બનાવ્યા છે તે અનુભવ દ્રષ્ટિનો લાભ આ મંદિરમાં પણ મળશે. ગુજરાતે પહેલેથી ભગવાન રામના મંદિરને બનાવવા માટે અનેક સંઘર્ષ કર્યો છે. યાત્રા પણ સોમનાથથી જ નીકળી હતી.