અમેરિકાના ફ્લોરિડામાં બાળકો માટે લેવાયેલો નિર્ણય જેવા પગલાંની ભારતમાં જરૂર છે...
9થી 17 વર્ષના 10માંથી 6 યુવાનો દિવસના ત્રણ કલાક સોશિયલ મીડિયાને આપે છે
ભારતમાં એક એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા સરવે અનુસાર સોશિયલ મીડિયા પર અથવા ગેમિંગ વેબસાઈટ કે એપ્લિકેશન પર રોજ ત્રણ કલાકથી વધારે સમય વિતાવનાર યુવાનોની સંખ્યા 60 ટકા છે. એટલું જ નહીં આ આંક તમામ યુવાનોનો નહીં પરંતુ માત્ર 9થી 17 વર્ષના યુવાનોનો જ છે. જે ખરેખર ચોંકાવનારો આંકડો છે. ભારત વિશ્વમાં સૌથી યુવાન દેશ છે, ત્યારે આ યુવાનો સતત સોશિયલ મીડિયા પર સમય વેડફી રહ્યા છે. એટલું જ નહીં આ સોશિયલ મીડિયા તેમના માનસિક સ્વાસ્થ્યને પણ નુકશાન કરી રહ્યું છે. જે યુવાનોની સાથે સાથે ભારતના ભવિષ્ય માટે પણ એક મોટો ખતરો બની રહ્યું છે.
સરવેમાં એવું પણ જાણવા મળ્યું છે કે, લાંબા સમય સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર બાળકોમાં માનસિક બીમારીઓનું પ્રમાણ વધારે છે. જેમાં ડિપ્રેશન અને ચિંતા જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું જોખમ વચ્ચે છે. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવ્યા બાદ બાળકોમાં આક્રમકતા, અધીરાઈ અને અતિસક્રિયતાના ચિહ્નો દેખાય છે. સરવેમાં એ પણ દર્શાવાયુ છે કે, બાળકોમાં વધુ પડતા સ્ક્રીન ટાઈમને કારણે માથાનો દુખાવો, પીઠનો દુખાવો અને ચિંતા જેવા શારીરિક લક્ષણોની ફરિયાદ વધી છે. આ સર્વેક્ષણ કમ્યુનિટી આધારિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોકલસર્કલ દ્વારા વર્ષ 2023માં હાથ ધરાયો હતો.
ભારતમાં 9 થી 17 વર્ષની વય વચ્ચેના 42.9 ટકા શાળાએ જતા બાળકો પાસે સોશિયલ નેટવર્કિંગ એકાઉન્ટ છે. આ બાળકોમાંથી 37.8 ટકા ફેસબુક એકાઉન્ટ્સ ધરાવે છે. જયારે 24.3 ટકા પાસે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા યુઝર્સ માટે એક વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેમ છતાં તેનો ભંગ કરીને શાળાએ જતા બાળકો તેમાં એકાઉન્ટ બનાવી રહ્યા છે.
ખાસ કરીને કોરોનાકાળ બાદ ઓનલાઇન શિક્ષણ વધ્યું છે. તેવા સંજોગોમાં 8 થી 18 વર્ષની વયના આશરે 30.2 ટકા બાળકો પાસે પહેલેથી જ તેમના પોતાના સ્માર્ટફોન છે. જેમાંથી 94.8 ટકા ઓનલાઈન શિક્ષણ માટે સ્માર્ટફોન અથવા ઈન્ટરનેટ ઉપકરણોનો ઉપયોગ કરે છે. સ્માર્ટફોન પર બાળકો દ્વારા માણવામાં આવતી સૌથી લોકપ્રિય સુવિધાઓમાં વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન્સ છે.
ભારતમાં હાલ ઇન્સ્ટાગ્રામ સૌથી લોક પ્રિય એપ્લિકેશન છે. જેનો દેશના 74.70 ટકા ઇન્ટરનેટ યુઝર્સ ઉપયોગ કરે છે. ભારતમાં 516.92 મિલિયન એક્ટિવ ઈન્સ્ટાગ્રામ યુઝર્સ છે. જેમાં યુવાનોની સંખ્યા સૌથી વધારે છે. લાઈક્સ, શેર્સ અને રીટ્વીટ અને રીપોસ્ટના બઝ વચ્ચે, સંશોધન કિશોરાવસ્થાના ડિપ્રેશન અને સોશિયલ મીડિયાના ઉપયોગ વચ્ચેની સમસ્યારૂપ કડી તરફ નિર્દેશ કરે છે. જોકે સંશોધનમાં એવું પણ બહાર આવ્યું છે કે, સોશિયલ મીડિયા વિવિધ પ્રકારની મિત્રતાને પ્રોત્સાહન આપવા માટે પણ ઉપયોગી છે.
જોકે દેશના ભવિષ્ય સામેનો ખતરો જોતા ફ્લોરિડામાં 14 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે. એટલું જ નહીં તમામ સોશિયલ મીડિયા એપ્લિકેશન ઓનર કંપનીઓને બાળકોના એકાઉન્ટ ડીલીટ કરવા આદેશ પણ કર્યો છે. ત્યારે ભારતમાં હાલના આંકડા અને સંશોધનો અનુસાર આ પગલાં લેવા ખુબ જ જરૂરી બન્યા છે.
ફ્લોરિડામાં અમલી બનેલા કાયદામાં શું જોગવાઈ કરાઈ છે ?
અમેરિકાના ફ્લોરિડામાં 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે. ફ્લોરિડાના ગવર્નર રોન ડી સેન્ટિસે કાયદાને મંજૂરી આપી છે. જે કાયદો જાન્યુઆરી 2025થી અમલમાં આવશે. કાયદા અનુસાર, 14 થી 15 વર્ષની વયના બાળકો ફક્ત ત્યારે જ ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટનો ઉપયોગ કરી શકશે જો તેમના માતાપિતા લેખિત સંમતિ આપે. કાયદા અનુસાર કંપનીઓને 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરવા આદેશ અપાયો છે. કાયદા અનુસાર, તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એજ વેરિફિકેશન પછી જ તેમના એકાઉન્ટ એક્ટિવેટ કરવા માટે કહેવાયું છે. જો કોઈ કંપની 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ નહીં કરે તો તેણે સંબંધિત બાળકને 10 હજાર ડોલરનું વળતર ચૂકવવું પડશે. તેમજ કંપનીને 50 હજાર ડોલર સુધીનો દંડ પણ થઈ શકે છે.
બાળકોના મગજ પર શું અસર થાય છે ?
- જે ઉંમરે બાળકોના મગજનો વિકાસ થાય છે, તે જ ઉંમરે તેઓ ખોટી વસ્તુના વ્યસની બને છે.
- બાળકોને ઊંઘમાં વિક્ષેપ, હતાશા, આંખનું દબાણ, શૈક્ષણિક પરફોર્મન્સમાં ઘટાડો, ગાંઠ થવાની સંભાવના, તણાવ, શારીરિક તકલીફો, સામાજિક કુશળતામાં ઘટાડો, ક્ષતિગ્રસ્ત જ્ઞાનાત્મક કાર્ય, ચિંતા, માથાનો દુખાવો, તબીબી સમસ્યાઓ, વર્તન અને સ્થૂળતા જેવી બીમારીનો ભોગ વિદ્યાર્થીઓ બને છે.
Loading ...