ગાંધીનગર, ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિ-‘પાસ દ્વારા રાજ્યમાં આંદોલન ચાલ્યું હતું. આ આંદોલન દરમિયાન પાસના આગેવાનો સામે સામાન્યથી લઈને રાજદ્રોહ સુધીના નાના મોટા ૪૮૫ જેટલા કેસો નોંધાયા હતા. આ કેસોમાંથી ૨૦૦ જેટલા કેસો પરત ખેંચવામાં આવ્યા છે. ત્યારે બાકીના કેસોને પરત ખેંચવા માટે આજે સાંજે ‘પાસ’ના આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ આજે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યું હતું. જેમાં મુખ્યમંત્રી દ્વારા પાટીદાર યુવાનો સામેના તમામ કેસો પરત ખેંચવા અંગેનું આશ્વાસન અપાયું હતું. દુબઈ ખાતેનો રોડ-શો યોજીને આવ્યા બાદ અધિકારીઓ સાથે બેઠક કરીને અઠવાડિયા બાદ પાટીદાર યુવાનો સામેના કેસો પરત લેવાશે તેવું પાટીદાર મુખ્યમંત્રીએ ‘પાસ’ના આગેવાનોને આશ્વાસન આપ્યું હતું. ગુજરાતમાં આજથી પાંચ વર્ષ અગાઉ પાટીદાર સમાજને અનામત આપવા માટે મોટું આંદોલન છેડવામાં આવ્યું હતું. પાટીદારો સમાજને અનામત આપવાની માંગણી સાથે પાટીદાર સમાજે આંદોલન છેડીને રેલી યોજી હતી. જે પૂરી થયા બાદ અમદાવાદ, સુરત સહીત સમગ્ર રાજ્યમાં તોડફોડ, આગચંપી સહિતના બનાવો શરુ થઇ જતા ધમાલ મચી ગઈ હતી. જયારે બીજી તરફ રાત્રીના સમયે જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર ધરણા ઉપર બેસેલા હાર્દિક પટેલ સહિતના આગેવાનોના ધરણા ઉપરથી ઉઠાડવા માટે પોલીસ પહોંચી ગઈ હતી. જેમાં પોલીસ દ્વારા ફાયરિંગ કરીને હાર્દિક સહિતના આગેવાનો ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. આ પરિસ્થિતિ દરમિયાન પોલીસ દ્વારા ‘પાસ’ના આગેવાનો અને અગ્રણીઓને પકડીને તેમની સામે કેસો નોંધવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ‘પાસ’ના આગેવાનો સામે સામાન્ય થી માંડીને રાજદ્રોહ સુધીના નાના-મોટા ૪૮૫ કેસો નોંધવામાં આવ્યા હતા. ત્યાર બાદ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયે રાજ્ય સરકાર દ્વારા ‘પાસ’ના આગેવાનો સામે થયેલા કેસોને પરત ખેંચવાની જાહેરાત કરાઈ હતી. જેમાંથી ૨૨૮ કેસો સરકાર દ્વારા પરત ખેંચી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ હજુ ૧૪૬ કેસોને પરત ખેંચવાના બાકી હતા. જે અંગે આજે ખોડલધામના ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં ‘પાસ’ના આગેવાનો અને પાટીદાર અગ્રણીઓનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યું હતું. જેમાં મુખ્યમંત્રી સમક્ષ બાકી રહેલા ૧૪૬ કેસો પરત ખેંચી લેવા તેમજ આ આંદોલનમાં શહીદ થયેલા યુવાનોના પરિવારજનને નોકરી આપવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠક અંગે ‘પાસના અગ્રણી દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, પાટીદાર યુવાનો સામે થયેલા કેસોને પરત ખેંચી લેવા માટે આજે અમે મુખ્યમંત્રીને મળ્યા હતા. મુખ્યમંત્રીએ તમામ કેસો પરત ખેંચી લેવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, દુબઈ જઈને આવ્યા બાદ અધિકારીઓ સાથે બેઠક કરીને તમામ કેસો પરત ખેંચાશે તેમજ હાલમાં જે હેરાનગતિની ફરિયાદો છે તેને પણ દુર કરવામાં આવશે તેવી ખાતરી અપાઈ હતી. આ બેઠકમાં ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ, અલ્પેશ કથીરિયા, ગીતાબેન પટેલ ખોડલ ધામના ટ્રસ્ટીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.