અમદાવાદ-

દક્ષિણ ગુજરાત-ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી ૧૦થી ૧૨ સપ્ટેમ્બર દરમિયાન વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવેલી છે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેના પગલે આગામી ૧૦ સપ્ટેમ્બરના સાબરકાંઠા-અરવલ્લી-મહીસાગર-સુરત-નવસારી-વલસાડ-ડાંગ, ૧૧સપ્ટેમ્બરે ગાંધીનગ-અરવલ્લી-ખેડા-અમદાવાદ-આણંદ-પંચમહાલ-દાહોદ-મહીસાગર-ભાવનગર-અમરેલી-ગીર સોમનાથ-બોટાદ-દીવ જ્યારે ૧૨ સપ્ટેમ્બરના ગાંધીનગર-અરવલ્લી-ખેડા-અમદાવાદ-આણંદ-પંચમહાલ-દાહોદ-મહીસાગર-ભાવનગર-અમરેલી-ગીર સોમનાથ-બોટાદ-રાજકોટ-જુનાગઢ-સુરેન્દ્રનગર-દીવ-કચ્છ-ડાંગ-નવસારી-વલસાડ-દમણમાં વરસાદ પડી શકે છે. આ પૈકી કેટલાક જિલ્લાઓમાં ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડે તેની પણ સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં અત્યારસુધી ૩૯.૮૩ ઈંચ સાથે મોસમનો ૧૨૧.૭૪% વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં ૪૧.૫૬ ઈંચ સાથે સૌથી વધુ ૨૫૬.૮૮%, ઉત્તર ગુજરાતમાં ૩૦ ઈંચ સાથે ૧૦૬.૦૯%, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૨૮.૭૪ ઈંચ સાથે ૮૯.૧૦%, સૌરાષ્ટ્રમાં ૪૩.૬૬ ઈંચ સાથે ૧૬૩.૭૬% અને દક્ષિણ ગુજરાતમાં ૫૯.૦૯ ઈંચ સાથે મોસમનો ૧૦૩.૭૪% વરસાદ નોંધાઇ ચૂક્યો છે.