તાઉ તે વાવાઝોડાના પગલે ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસુ, અનેક વૃક્ષો ધરાશાયી, જનજીવન ખોરવાયુ
18, મે 2021

અમદાવાદ-

સોમવારના રાજ્યમાં પ્રવેશ બાદ ધીમે-ધીમે વાવાઝોડાની ગતિમાં ઘટાડો જોવા મળ્યો છે. વેરાવળ અને સોમનાથમાં પણ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે. વાવાઝોડા સાથે અનેક વૃક્ષો ધરાશાયી થઈ જવાની ઘટનાઓ બની છે. સોમનાથ બાદ સૌથી વધારે નુકસાન રાજુલા અને જાફરાબાદમાં જોવા મળ્યું છે. રાજુલાથી સાવરકુંડલા જવાનો રસ્તો પણ બંધ કરાયો હતો કેમકે વૃક્ષો પડી જતાં રાજુલાથી ભાવનગરનો રસ્તો બંધ હાલતમાં થઈ ગયો હતો. રાજુલામાં 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે. ઉના અને ગીરમાં અનેક ગામોમાં સંપર્ક તૂટ્યા છે. સોમનાથ, વેરાવળ, ઉનામાં 130 કિલોમીટર સુધીની પવનની ઝડપ જોવા મળી છે.

તૌક્તે વાવાઝોડાની અસર હવે સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. તૌક્તે વાવાઝોડાની અસર નવસારી જિલ્લામાં પણ જોવા મળી રહી છે. નવસારી જિલ્લામાં વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. નવસારી જલાલપોર અને ગણદેવી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. જ્યારે કાંઠા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. કાંઠા વિસ્તારમાં વરસાદને પગલે હજુ પણ લોકોમાં ભયનો માહોલ સર્જાયેલો છે. જલાલપોર તાલુકામાં ભારે પવન ફૂંકાવાનું યથાવત છે. ઉભરાટ મરોલી રોડ ઉપર ભારે પવન ફૂંકાતા એક વૃક્ષ ધરાશાયી થયું છે. વૃક્ષ ધરાશાયી થતા બાજુમાં શ્રમજીવીઓએ બનાવેલા ઝુંપડાઓને થયું નુકસાન છે. ઝૂપડામાં રહેલા લોકો સમય રહેતા બહાર આવી જતા કોઇ જાનહાની થઈ નથી. મધ્ય ગુજરાતના અમદાવાદ ખેડા ગાંધીનગર નાડીયાદ આણંદ વડોદરા સહીત ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ, બોટાદ, દ્વારકા, વલસાડ, સુરત, નવસારી, ભરૂચમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution